નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે વડાપ્રધાને વિરોધ પક્ષોને આડે હાથ લઇ પડકાર ફેંક્યો…
કોંગ્રેસ-સાથી પક્ષો મુસ્લિમોને ભડકાવી પોતાની રાજકીય ખીચડી પકાવી રહ્યા હોવાનો વડાપ્રધાનનો આક્ષેપ…
બરહેટ : નાગરિકતા કાયાદને લઈને દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. ઝારખંડના બરહેટમાં એક ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું કોંગ્રેસ સહિત એ તમામ પક્ષોને આ વીરોની ધરતી પરથી પડકાર ફેંકુ છું કે, જો તેમનામાં હિંમત હોય તો ખુલીને જાહેરાત કરે કે તેઓ પાકિસ્તાનના દરેક નાગરિકને ભારતની નાગરિકતા આપવા માટે તૈયાર છે. દેશ તેનો હિસાબ ચુકતે કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં હિંમત હોય તો તે એ પણ જાહેરાત કરે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફરીથી આર્ટિકલ ૩૭૦ લાગુ કરશે. કોંગ્રેસ અને તેમના સાથીઓમાં એ હિંમત હોય તો તેઓ એ પણ જાહેરાત કરે કે ટ્રીપલ તલાક વિરૂદ્ધ જે કાયદો બન્યો છે તેને પણ રદ્દ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર ચાબકા માર્યા હતાં. તેમણે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોને લઈને કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ મુદ્દે મુસલમાનોને ભડકાવવાનું, ડરાવવાનું, ભયભીત કરવાના પ્રયાસ કરીને પોતાની રાજનૈતિખ ખીચડી પકાવવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ પાર્ટી ભાગલા પાડો અને રાજ કરોની આ નીતિના આધારે એકવાર તો દેશનું વિભાજન કરી ચુકી છે. માં ભારતીના ટુકડા આ અગાઉ તો થઈ ચુક્યા છે. આ જ કોંગ્રેસ છે કે જેને ગેરકાયદેસર રીતે લાખો ઘુષણખોરોને ભારતમાં ઘુસવા દીધા. હવે તેમનો તે વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે.
ઝારખંડમાં મોદીએ કહ્યું હતું કે, ઘૂષણખોરોના કારણે જે સમસ્યાઓ પેદા થઈ છે તેના માટે પણ કોંગ્રેસ અને તેના સાથી જ પક્ષો કે જે વર્ષો સુધી સત્તા ભોગવતા રહ્યા તેઓ જ જવાબદાર છે. તેમણે નાગરિકતા કાયદાને લઈને કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દેશમાં જુઠ્ઠાણાં ફેલાવી રહ્યાં છે. કોંગ્રેસ તો મુસલમાનોને ડરાવી રહી છે. રહી વાત નાગરિકતા કાયદાની તો દેશના એક પણ નાગરિકને તેની કોઈ જ અસર થવાની નથી. આ કાયદો ભારતમાં આવનારા લોકો માટે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસમાં હિંમત હોય તો તે જાહેર કરે કે તે પાકિસ્તાનના દરેક નાગરિકને ભારતની નાગરિકતા આપવા માટે તૈયાર છે. કોંગ્રેસમાં હિંમત હોય તો તે એ પણ જાહેરાત કરે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફરીથી આર્ટિકલ ૩૭૦ લાગુ કરશે. કોંગ્રેસ અને તેમના સાથીઓમાં એ હિંમત હોય તો તેઓ એ પણ જાહેરાત કરે કે ટ્રીપલ તલાક વિરૂદ્ધ જે કાયદો બન્યો છે તેને પણ રદ્દ કરશે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, આટલા દૂર દૂરથી આટલી મોટી સંખ્યામાં તમે મને આશિર્વાદ આપવા અહીં આવ્યા છો. તમારો આ સ્નેહ, આશીર્વાદ જ જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને દેશભરના વામપંથીઓને અકળાવે છે. તેમની ઉંઘ હરામ કરે છે.