જાપાનનું ટોકિયો નંબર વન,૧૦ સૌથી સુરક્ષિત શહેરોમાં ૬ એશિયા-પેસિફિકના…
ન્યુ દિલ્હી,
ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે વર્ષ ૨૦૧૯ માટે દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી. જેમાં ભારતના બે મોટા શહેર નવી દિલ્હી અને મુંબઈને સ્થાન મળ્યું છે. જોકે આ યાદી ચોંકાવનારી એટલા માટે છે કે ભારતમાં ઘણા સુરક્ષિત ગણાતા શહેરોનું નામ આ યાદીમાં શામિલ નથી.
ડિઝિટલ સિક્યોરિટી, હેલ્થ સિક્યોરિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્ટોરિટી અને પર્સનલ સિક્ટોરિટી એમ આ ચાર માનકોને આધારે યાદી તૈયાર કરાઈ ગઈ છે. જેમાં મુંબઈનું સ્થાન ૪૫મું છે જ્યારે નવી દિલ્હીનું સ્થાન ૫૨મું છે. આ બે શહેરો સિવાય ભારતનું કોઈ અન્ય શહેર આ યાદીમાં જગ્યા બનાવી શક્યું નથી. યાદી અનુસાર દુનિયાના ૧૦ સૌથી સુરક્ષિત શહેરોમાં ૬ એશિયા-પેસિફિકના છે.
દુનિયાના સૌથી સુરક્ષિત ટોપ-૧૦ શહેર પર નજર કરીએ તો જાપાનનું ટોકિયો, સિંગાપુર, જાપાનનું ઓસાકા, નેધરલેન્ડનું એમ્સટર્ડમ, ઓસ્ટ્રેલિયાનું સિડની, કેનેડાનું ટોરંટો, અમેરિકાનું વોશિંગટન ડીસી, ડેનમાર્કનું કોપનહેગન, દક્ષિણ કોરિયાનું સિયોલ, અને ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન શહેર છે. જ્યારે ભારત બે સુરક્ષિત શહેર મુંબઈ ૪૫મા ક્રમે અને નવી દિલ્હી ૫૨માં ક્રમે છે.