ગયામાં પિત્રુ પક્ષ પ્રસંગે હિન્દુ ભક્તો તેમના પૂર્વજોની મુક્તિ માટે ‘પિંડન વિધિ’ કરે છે…
આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને ૧૨ રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આકવે છે અને તેજ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે
હવે ખગોળ શાસ્ત્રના આધારે ૧૫ જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે. આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા ૧૫ સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગ્રત કરે છે.
હવે સમજવાની વાત એ છે કે સંસારમાં મૃત આત્માની ગતિ ૨ રીતની હોય છે જેઓ સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો હોય તેઓ મરણ બાદ દેવયાન તરફ ગતિ કરે છે અને અતૃપ્ત આત્મા પ્રેતયાન તરફ ગતિ કરે છે. દેવયાનનો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે અને પ્રેતયાનનો સબંધ ચંદ્ર સાથે હોય છે ચંદ્ર સૂક્ષ્મ જગતને સાંભળે છે અને તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે. શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની ૧૬ કળા છે આ ૧૬ કળા આપણા હિન્દૂ પંચાગની ૧૬ તીથી સાથે જોડાયેલી છે પુનમથી અમાસ ૧૬ તીથી હોય છે તેમ સુદ અને વદ ની તમામ તીથી રિપીટ થાય છે. આમ મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળા માં સ્થાન પામે છે. એકમનું મરણ થયું હોય તે પહેલી કળા માં તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળા માં સ્થાન પામે છે.
જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે ભાદરવા સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં પિતૃઓને જગાડે છે. તે સમયે ચંદ્રની ૧૫મી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા પિતૃ પૃથ્વી પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા છે. આમ પુનમથી પછી દરેક કળા ના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે આવવા શક્તિમાન બને છે. ચંદ્રનું આધિપત્ય દૂધ અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું મહત્વ વિશેષ છે.
આમ દરેક પિતૃ તેમના નજીકના સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને આશીર્વાદ આપતા જાય છે જે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે. જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે. આ અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવાસયાને દિવસે અચૂક પાછા પોતાના સ્વજનના ઘરે આવે છે જેથી તેને આપણે સર્વપિતૃ અમાવાસ્યા કહીયે છીએ. આ દિવસે ભૂલ્યાચૂક્યાં દરેક પિતૃનું શ્રાદ્ધ મહિમા ઘણો છે અને તે અનાયાસે બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે. આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ તે દિવસે બ્રાહ્મણ, બહેન દીકરી અને ભાણેજોને જમાડી શક્તિમુજબ દક્ષિણા આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે. આ હકીકત શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રધ્ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે.
ાા માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ ાા