રાહુલની ગેરહાજરી દર્શાવે છે કે તેઓ કેટલા ગંભીર છે : મુખ્તાર અબ્બાસ નકવી
નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્રનું પ્રથમ અઠવાડિયા પૂર્ણ થયું છે. વિપક્ષમાં ખાસ કરીને કોંગ્રેસે આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કરવાના સરકારના નિર્ણય પછી રાજયમાં ઉદ્બવેલી સ્થિતિઓ, નેશનલ કોન્ફ્રેંસના સાંસદ ફારુક અબ્દુલ્લાની મૂકિત, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંદ્ય અને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવા અને ઇલેકટોરલ બોન્ડ જેવા મુદ્દાઓ પર બીજેપી સરકારને દ્યેરવાના પ્રયત્ન કર્યા, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સત્રના પહેલા અઠવાડિયાના એક પણ દિવસ માટે સંસદમાં હાજર રહ્યા ન હતા. રાહુલ ગાંધીની ગેરહાજરીએ બીજેપીને કોંગ્રેસ પર ટિપ્પણી કરવાની તક આપી હતી. કોંગ્રેસ સંસદ અને રોડ પર સરકારને ઘેરવાના પૂરતા પ્રયત્ન કરી રહી છે, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની સંસદમાં ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા હતા.
જોકે તેમની ગેરહાજરી પર સવાલ કરતા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી પાસે ન તો નીતિ છે ન તો નેતૃત્વ. રાહુલ ગાંધીની સંસદમાં સાત દિવસની ગેરહાજરી દર્શાવે છે કે તેઓ કેટલા ગંભીર છે. પૂર્વ કોંગ્રેસ સાંસદ રહી ચૂકેલા અને વર્તમાનમાં બીજેપી સાંસદ જગદમ્બિકા પાલે કહ્યું કે, જનતા તેમના મુદ્દા ઉઠાવવા અને સમસ્યાનું સમાધાન કરવા માટે નેતાઓને સંસદ મોકલે છે પરંતુ રાહુલ ગાંધી જેવા નેતા સંસદથી ગાયબ રહે છે. અધ્યક્ષ પદ છોડ્યા પછી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના સામાન્ય સાંસદ છે, પરંતુ તેમના નામ સાથે પૂર્વ અધ્યક્ષ જોડાયેલુ છે, આથી સ્વાભાવિક છે કે સંસદમાં સતત તેમની ગેરહાજરી સવાલ ઉભા કરશે. બીજી તરફ કોંગ્રેસ પણ તેમની સાથે જોડાયેલા સવાલો પર ચૂપકી સાધી લે છે.