સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ યથાવત્ રહેશે
મહિલાઓના પ્રવેશ અંગેની રિવ્યૂ પિટિશનમાં ૨ જજ અસહમત થતા મામલો લાર્જર બેન્ચને સોંપાયો
આ કેસની અસર માત્ર આ મંદિર નહીં પરંતુ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ,અગીયારીમાં પારસી મહિલાઓના પ્રવેશ ઉપર પણ પડશેઃ સુપ્રીમ કોર્ટ
ન્યુ દિલ્હી : કેરળમાં આવેલા જાણીતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશના મામલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજની બેંચે સબરીમાલા વિવાદને કોર્ટની મોટી બેંચને મોકલવાનો નિર્ણય લીધો છે. જેના પગલે હવે ૭ જજોની બનેલી ખંડપીઠ આ વિવાદ પર સુનાવણી હાથ કરશે. ૫ જજોની ખંડપીઠે આજે આ બાબતને ૩ઃ ૨ના ગુણોત્તરમાં મોટી બેંચને સંદર્ભિત કરી છે, જો કે આ સમયગાળા દરમિયાન મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકશે.
સુપ્રીમ કોર્ટના પાંચ જજોમાં જસ્ટિસ નરીમાન, ચંદ્રચુડે અન્ય ત્રણેય ન્યાયાધીશોથી અલગ અભિપ્રાય આપ્યો હતો. જસ્ટિસ નરીમાનનો અભિપ્રાય છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બધાને માટે બંધનકર્તા છે, અને તેનો અમલ કરવાનો કોઈ વિકલ્પ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સબરીમાલા મંદિર પરના નિર્ણયની અસર ફક્ત સબરીમાલા પૂરતી મર્યાદિત રહેશે નહીં, અન્ય ધર્મોમાં ચાલતી આ પ્રકારની પ્રથા પર પણ તેની અસર પડશે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પરનો મંદિર દ્વારા મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો હતો. જેના પગલે કેરળમાં ભારે વિવાદ સર્જાયો હતો.
સીજેઆઈ ગોગોઇએ કહ્યું, ’મહિલાઓને પૂજાના સ્થળોએ પ્રવેશ ફક્ત સબરીમાલા મંદિર સુધી મર્યાદિત નથી. તે મહિલાઓના મસ્જિદો અને પારસી અગિયારીમાં પ્રવેશવા વિશે પણ છે. અરજદારોનો હેતુ ધર્મ અને માન્યતા પરની ચર્ચાને પુનર્જીવિત કરવાનો હતો. ખંડપીઠે કહ્યું કે ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફક્ત સબરીમાલા સુધી મર્યાદિત નથી, પરંતુ અન્ય ધર્મોમાં પણ આવું જ છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ પોતાના વતી અને ન્યાયાધીશ એ.એમ.ખાનવિલકર અને ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા તરફથી ચુકાદો વાંચી સંભળાવ્યો હતો.
ખંડપીઠે કહ્યું કે સબરીમાલા ઉપરાંત મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ અને દાઉદી બોહરા સમુદાયની મહિલાઓમાં સુન્નત જેવા ધાર્મિક મુદ્દાઓ પર પણ મોટો નિર્ણય લેશે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અરજદારો ધર્મ અને આસ્થા અંગેની ચર્ચા ફરી શરૂ કરવા માગે છે. ન્યાયમૂર્તિ આર.એફ. નરીમાન અને ડી.વાય.ચંદ્રચુડ સબરીમાલા કેસના ચુકાદામાં મતભેદ હતા.
સબરીમાલા કેસમાં એક અન્યરસપ્રદ કાયદાકીય રસપ્રદ બાબત પણ જોવા મળી રહી છે. જેમાં સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે આવશ્યક ધાર્મિક વ્યવહાર કસોટી, એક તરફ બંધારણની કલમ ૨૫ અને ૨૬ અને બીજી બાજુ આર્ટિકલ ૧૪ અને શિરુર મઠ કેસના ચૂકાદા વચ્ચેના વિરોધાભાસને લગતા મોટા મુદ્દાઓ અને દુર્ગા સમિતિ કેસનો નિર્ણય મોટી(લાર્જર) બેંચ દ્વારા લેવો જોઈએ. મોટા ભાગના લોકોનો મત છે કે આવશ્યક ધાર્મિક વ્યવહાર પરીક્ષણ(એસેન્સિયલ રિલિજીયસ પ્રેક્ટીસ)ની આસપાસના મુદ્દાઓ મોટી બેંચને મોકલવાની જરૂર છે.