ખેડૂતોએ ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, કપાસ, તમાકુ, ગુવાર સીડ, શાકભાજી અને ઘાંસચારાનું વાવેતર કર્યું…
અમદાવાદ,
ગુજરાતમાં ખાસ કરીને મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વિસ્તારનાં ડેમોમાં પાણીની સારી એવી આવક થઇ રહી છે. ખેડૂતોની આશા જીવંત બની છે.
ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ (૫ ઑગષ્યની સ્થિતિએ), રાજ્યમાં કુલ સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫ ટકા વિસ્તારમાં વાવણી થઇ ચૂકી છે અને હજુ વાવણી શરૂ છે. ખાસ કરીને, જે વિસ્તારોમાં વરસાદ વધારે થયો છે ત્યાં ખેડૂતો પાણી ઓસરવાની રાહ જોઇ રહ્યા છે. જોકે, કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદ જોઇએ તેટલો થયો નથી અને સારી વરસાદની રાહ જોવાઇ રહી છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં કૂલ ૮૪.૭૬ લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં છે. આ કૂલ વિસ્તારમાં સામે આ વર્ષે પાંચ ઑગષ્ટની સ્થિતિએ ૬૩.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ચૂક્યું છે.
ખેડૂતોએ ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, કપાસ, તમાકુ, ગુવાર સીડ, શાકભાજી અને ઘાંસચારાનું વાવેતર કર્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૪.૬૯ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે જ્યારે ૧૪.૬૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. અલબત્ત, એ નોંધવું રહ્યું કે, ગયા વર્ષે પાંચ ઑગષ્ટની સ્થિતિએ રાજ્યમાં વધારે વાવેતર થયું હતું. ગયા વર્ષે પાચં ઑગષ્ટનાં રોજ ૬૯.૯૮ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું હતું.