-
પાન, માવા અને સિગારેટથી કૅન્સરનાં રોગનું પ્રમાણ સમગ્ર ભારતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું હતું…
રાજકોટ,
પાન, માવા અને સિગારેટથી કૅન્સરનાં રોગનું પ્રમાણ સમગ્ર ભારતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. દર વર્ષે સૌરાષ્ટ્રમાં અંદાજિત ૬ હજારથી વધુ લોકો કૅન્સરની સારવાર લેતા હોય છે. જેમાંથી ૩૦ ટકા આસપાસના દર્દીઓને મોઢાનું કૅન્સર હોય છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ કૅન્સર પાછળ પાન, માવા અને સિગારેટ જવાબદાર હોય છે. આમ સમગ્ર ભારતમાં સૌરાષ્ટ્રમાં કૅન્સરનું પ્રમાણ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી તમાકુનું સેવન વધી રહ્યું છે જેને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કૅન્સરના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યની રાજકોટની કૅન્સર હોસ્પિટલમાં દર વર્ષ પાંચ હજારથી વધુ દર્દી સારવાર અર્થે આવે છે. જેમાંથી ૩૦ ટકાથી વધુ દર્દીઓને જડબા, જીભ અને ગળાના કૅન્સર હોવાનું સામે આવ્યું હતું. મોં અને ગળાના કૅન્સર વધુ થવાનું કારણ તમાકું, બીડી, સિગારેટ છે.
કૅન્સરની ખબર પડે ત્યાં સુધીમાં ઘણાં વર્ષો નીકળી ગયાં હોય છે. શરીરમાં કોષોની અંદર ફેરફાર થાય છે એને પકડવાની તાકાત ધરાવતાં મશીનો ભારતમાં મર્યાદિત સંખ્યામાં છે. આથી શરૂઆતમાં આવા કેસ પકડી શકાતા નથી. વળી, ભારતમાં લોકો પોતાને કૅન્સર હોવાનું જલ્દી સ્વીકારતા પણ નથી. મોઢામાં ચાંદું મહિનાઓથી રૂઝાતું ના હોય, દરરોજ ગલોફા, જીભ પર નજર પડતી હોય તથા તેમાં ફેરફાર જણાતો હોય છતાં લોકો વાસ્તવિક્તા સ્વીકારતા નથી અને સમસ્યા છેક ત્રીજા સ્ટેજે પહોંચે પછી ડોકટરને બતાવા જાય છે. ત્યાર પછી સારવારમાં ડોક્ટરની પણ મર્યાદાઓ આવી જતી હોય છે. તમાકુ બનાવટમાં વપરાતા રસાયણ કૅન્સરને નોતરે છે.