Charotar Sandesh
ઈન્ડિયા

સીએએ-એનઆરસીના વિરોધ વચ્ચે એનપીઆરને મંજૂરી…

મોદી કેબિનેટના મહત્ત્વપૂર્ણ નિર્ણયો, વસ્તી ગણતરી માટે ૮૫૦૦ કરોડ મંજૂર…

એપ દ્વારા પણ નાગરિકોની માહિતી એકત્ર થશે, કોઇ કાગળિયા કે દસ્તાવેજો આપવા નહિ પડે,એપથી ઘેર બેઠા પણ માહિતી આપી શકાશે, કોઇ અંગૂઠાની છાપ-બાયોમેટ્રીક આપવાની જરૂર નથી : જાવડેકર

ન્યુ દિલ્હી : નાગરિક સુધારા કાયદો-સીએએ અને એનઆરસીની સામે દેશમાં ચાલી રહેલા વિરોધ વંટોળની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે અત્રે મળેલી કેબિનેટ બેઠકમાં આગામી ૨૦૨૧ની નાગરિકોની વસ્તી ગણતરી માટેની કામગીરીને અને તેની સાથે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર(એનપીઆર)ને અપડેટ કરવાની મંજૂરીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
દર ૧૦ વર્ષે યોજાતી દેશની વસ્તી ગણતરી મુજબ છેલ્લે ૨૦૧૧ની વસ્તી ગણતરી બાદ હવે ૨૦૨૧ની વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ૬ મહિના સુધી ચાલનારી કામગીરી ૧, એપ્રિલ ૨૦૨૦ થી શરૂ થશે, એમ કેન્દ્રના મંત્રી પ્રકાસ જાવડેકરે કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમા જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે આ કોઇ નવું નથી. દર ૧૦ વર્ષે યોજાતી વસ્તી ગણતરીનું કામ છે. અમારી સરકારે તેમાં કોઇ એવું ઉમેર્યું નથી કે કોઇ વધારાની માહિતી માંગી નથી કે જેતી તેનો વિરોધ કરી શકાય. તે એક રૂટીન સરકારી કામગીરી નાગરિકોના હિતમાં છે.
તેમણે ખુલાસો કર્યો કે વસ્તી ગણતરી માટે નાગરિકોના ઘરે આવેલા કર્મચારીને કોઇ નાગરિકે કોઇપણ પ્રકારના કાગળો કે દસ્તાવેજની નકલ આપવાની નથી. નાગરિક દ્વારા વસ્તી ગણતરી કર્મીને આપવામાં આવેલી માહિતી સાચી માની લેવામાં આવશે. આ વખતે ટેકનોલોજીના ઉપયોગ તરીકે વસ્તી ગણતરી માટે એપ બનાવવામાં આવ્યું છે. જેમાં બધી માહિતી એકત્ર થશે અને તેમાં કોઇ બાયોમેટ્રીક આપવાની એટલે કે અંગૂઠાની છાપ આપવાની જરૂર નથી. એકત્ર માહિતીનો ઉપયોગ સરકારી યોજના લાભ માટે પણ થશે. એનપીઆરની કામગીરી માટે કેબિનેટે ૮૫૦૦ કરોડના ખર્ચને પણ મંજૂરી આપી હતી. જો કે સીએએ અને એનઆરસીની જેમ એનપીઆરની સામે પણ વિરોધ શરૂ થયો છે.
તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછીની આ ૮મી વસ્તી ગણતરી છે. છેલ્લે ૨૦૧૦માં યુપીએના શાસનમાં વસ્તી ગણતરી હાથ ધરાઇ હતી.
વસ્તી ગણતરીમાં જે પણ ભારતમાં રહે છે તેમની ગણતરી થશે. કોઇ વ્યક્તિ એક સ્થળે ૬ મહિનાથી રહેતો હશે તો તેની પણ સ્થાનિક પત્રકમાં ગણતરી થશે. એનપીઆરનો ઉપયોગ સરકારી યોજનાના લાભાર્થીઓ માટે પણ થશે. સમગ્ર કામગીરી ૬ મહિના સુધી ચાલશે.
તેમણે વધુમાં કહ્યું કે આજના ટેકનોલોજીના યુગમાં વસ્તી ગણતરીની કામગીરીને સરળ બનાવવા ખાસ એપ બનાવવામાં આવ્યો છે. જેમાં જે તે નાગરિક અને તેના પરિવારની તમામ માહિતીનો સંગ્રહ થશે. અને જે માહિતી અપાશે તેને સાચી માનવામાં આવશે. અને તેના કોઇ પુરાવા માંગવામાં નહીં આવે. કોઇપણ નાગરિક એપના માધ્યમથી ઘરે બેઠા બેઠા પણ માહિતી આપી શકશે.
દરમ્યાનમાં સૂત્રોએ કહ્યું કે ૨૦૧૦ માં યુપીએના શાસનમાં પ્રથમ વખત એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટાર તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એનપીઆરનો અમલ ૨૦૧૧ ની વસ્તી ગણતરી સાથે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ એનપીઆર માટે દરેક વ્યક્તિ માટે લગભગ ૧૫ માહિતી એકત્રિત કરવામાં આવશે.જેમાં વ્યક્તિનું નામ, માતા-પિતા, લિંગ, જન્મ, શૈક્ષણિક સ્થિતિ, સરનામું વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીની તુલનામાં આ વખતે કેટલીક વ્યાપક માહિતી પણ માંગી શકાય છે. ખરેખર એનપીઆર વસ્તી ગણતરીનો એક ભાગ છે. તે વસ્તીગણતરી પહેલાં અપડેટ કરવામાં આવે છે. એનપીઆર રજિસ્ટર પ્રથમવાર ૨૦૧૦ માં બનાવવામાં આવ્યો હતો. ૧૦ વર્ષ પછી ફરીથી અપડેટ થઈ રહ્યું છે.
કેટલીક નવી માહિતી ઉમેરવાનો પ્રસ્તાવ
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ-સીએએ પછી સરકાર હવે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરને અપડેટ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે ૨૦૨૧ સુધીમાં વસ્તી ગણતરીના સંપૂર્ણ ડેટા એકત્રિત કરવાના છે તેથી જ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એટલે કે એનપીઆર પર આજે મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા પણ થઈ હતી. ભારતના રહેવાસીઓને એનપીઆરમાં ૧૫ માહિતી પૂછવામાં આવશે અને વસ્તી ગણતરીના ડેટાબેસને અપડેટ કરવામાં આવશે. એનપીઆરમાં માંગેલી માહિતી માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી.
એનપીઆર પર આમ તો કામ નવા વર્ષના એપ્રિલથી શરૂ થશે પરંતુ કેટલાક રાજકીય પક્ષોએ હવેથી તેનો વિરોધ શરૂ કરી દીધો છે. એમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ પોપ્યુલેશન રજિસ્ટરનો વિરોધ કરતાં કહ્યું છે કે આનાથી એનઆરસીની રજૂઆત થશે. બંગાળ અને કેરળ પણ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરનો વિરોધ કરી રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે સરકાર એનપીઆર દ્વારા લોકોની વ્યક્તિગત માહિતી એકઠી કરી રહી છે. તેનો અમલ ૨૦૨૦ સુધીમાં આસામ સિવાય દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થવાનો છે.

Related posts

સેનાનું વધુ એક સાહસઃ મેડ ઇન ઇન્ડિયા ધ્રુવાસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ

Charotar Sandesh

વાહનોના વેચાણમાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો

Charotar Sandesh

વિરોધ-આંદોલનના કારણે ઈન્ટરનેટ બંધ કરાતા ઈ-કોમર્સ કંપનીઓના બિઝનેસને મોટો ફટકો…

Charotar Sandesh