ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ ગાંધીનગર ખાતે સાયબર ક્રાઈમને અટકાવવા માટેની ‘આશ્વસ્ત’ એપના લોકાર્પણ કાર્યક્રમમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે નાગરિકતા સુધારણા કાયદા (સીએએ) અંગે વિપક્ષના જુઠ્ઠાણાએ દેશમાં અરાજકતા ફેલાવી છે. તેમણે જણાવ્યું કે, સીએએનો હેતુ લોકોને નાગરિકતા પ્રદાન કરવાનો છે તેમની નાગરિકતા છીનવી લેવાનો નહી. તેમણે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી કે તેઓ ઘરે-ઘરે જઇને લોકોને આ નવા કાયદાની જોગવાઈઓ અંગે સમજ આપે.
ગુજરાત પોલીસની વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન માટે આયોજીત સમારંભમાં અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષની પાસે કોઇ મુદ્દો નથી તેથી તેઓ સીએએ અંગે જુઠ્ઠાણું અને ભ્રમ ફેલાવી રહ્યા છે. જેને કારણે સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ છે. આ કાયદાનો ઉદ્દેશ ત્રણેય પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રતાડિત થઈ રહેલા લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે.