અમેરિકા-ચીન ટ્રેડ વૉર ઇફેક્ટ…
સુરત,
સુરતના હીરાની ચમક મંદીના ઓછાયા હેઠળ આવી ગઈ છે. ચીન-અમેરિકાના ટ્રેડ વોરના પગલે સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. સુરતમાં રફ ડાયમંડની ખરીદી છેલ્લા ૧૦ વર્ષના તળિયે છે. ટ્રેડવોરના કારણે ચીનમાં મોંઘવારી વધતાં હીરા ઉદ્યોગમાં તકલીફ સર્જાઈ છે. ચીન ભારતમાંથી પોલિશ્ડ હીરાની ૪૦ ટકાથી વધુ ખરીદી કરે છે.
હીરા ઉદ્યોગની મંદી પાછળ રશિયા અને બ્રિટેનના વેચાણની ખોટ પણ જવાબદાર છે. રશિયાની એલોરોસા અને લંડનની ડીબીઅર્સના વેચાણમાં ૨.૫ અબજ ડૉલરની સંયુક્ત ખોટ જોવા મળી છે.
જાણકારોના મતે આ મંદી વર્ષ ૨૦૦૯ની હીરા ઉદ્યોગની મંદી બાદ સૌથી મોટી મંદી છે. હીરા ઉદ્યોગોની હાલત કફોડી બની રહી છે. છેલ્લા છ મહિનામાં સુરતમાં ૧૩ હજાર કારીગરો બેકાર બન્યાં છે. જ્યારે છેલ્લા ૬ મહિનામાં હીરાના ભાવમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. સુરતના હીરા ઉદ્યોગમાં હાલમાં ૪૦ ટકા જેટલું ઉત્પાદન ઘટ્યું છે.
સુરમાં એપ્રિલથી જુલાઇના ત્રિમાસિક વેચાણમાં રફ ડાયમંડની આયાત ૨૮ ટકા ઘટી છે, જ્યારે રફ ડામંડની નિકાસના દરમાં પણ ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રિય બજારમાં પોલીશ્ડ હીરાનાં ભાવ સતત ઘટી રહ્યાં છે. જેની સામે ખરીદી કરવાના રફ હીરાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને રફ અને પોલીશ્ડ હીરાનાં ખરીદ-વેચાણનું તાલમેલ ખોરવાયું છે જેથી તે હીરા ઉદ્યોગ માટે કપરી પરિસ્થિતિ લઇ આવ્યું છે.