સેનાએ પહેલી વાર મહિલાઓની ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. રક્ષા મંત્રાલયે આ માટેની મંજૂરી આપી દીધી છે. જાન્યુઆરીમાં સેના પોલીસમાં પહેલી વાર મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. રક્ષા મંત્રી નિર્મલા સિતારમને ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. તેમનું કહેવું હતું કે સેનામાં મહિલાઓની ભાગીદારી 20 % થશે. મહિલાઓની ભરતી PBOR ( પર્સનલ બિલો ઓફિસર રેન્ક)ના રોલમાં કરવામાં આવશે.
સેના પોલીસમાં સામેલ કરવામાં આવેલી મહિલા ઓફિસર દુષ્કર્મ અને છેડછાડ જેવા મામલાઓની તપાસ કરશે. સેના પોલીસનો રોલ સૈન્ય પ્રતિષ્ઠાનોની સાથે કેટોનમેન્ટ વિસ્તારોમાં દેખરેખ માટે કરવામાં આવે છે. સેના પોલીસમાં હાલ 800 મહિલાઓની ભરતી કરવામાં આવશે. મહિલાઓની વાર્ષિક ભરતી દર 50 રાખવામાં આવ્યો છે. આ પહેલા સેનામાં મેડીકલ, સિગ્નલ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ કોરમાં મહિલાઓની ભરતી કરવામાં આવતી હતી. હવે મહિલાઓને યુદ્ધમાં સામેલ કરવા બાબતે વિચાર કરવામાં આવી રહ્યો છે.
રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરેએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સેનામાં મહિલાઓની હાલની ભાગીદારી 3.80 % છે. જ્યારે વાયુસેનામાં 13.09 અને નૌકાસેનામાં 6 % મહિલાઓની ભાગીદારી છે જેને 20 % સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે.