રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતો અને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર ના ત્રણ તાલુકા રાજકોટ, વિસાવદર, અને તાલાળામાં કુલ વરસાદ ૪૦ ઇંચ નોંધાઈ ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં ૬ જિલ્લાઓમાં સરેરાશ ૧૦૦ થી ૧૩૦ ટકા જેટલો નોંધાયો છે.
ગત વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોએ ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. બીજી તરફ ઓછા વરસાદથી લોકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની પણ અછત સર્જાય હતી. આ વર્ષે જાણે કે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે અને અમુક જગ્યા પર અત્યાર સુધીમાં ૧૦૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
એક તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદને કારણે મોટાભાગના ડેમો અને નદીઓમાં પાણીની આવક થઇ છે. જીલ્લાના મોટાભાગના ડેમો ઓવરફલો થયા છે. હજી પણ ડેમોમાં પાણીની આવક ચાલુ છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળ ૨૫ નાના-મોટા ડેમો આવેલા છે, જેમાંથી ૧૪ જેટલા ડેમો ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે મહત્વના કહી શકાય એવા આજી-૧, આજી-૨, આજી-૩, ન્યારી-૧, ન્યારી-૨ ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે ભાદર-૧ ડેમમાં ૨૮ ફૂટ પાણીછે, ડેમ ઓવરફ્લો થવામાં ૫ ફૂટ બાકી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના વાછપરી, ગોંડલી, વેરી, મોતીસર, ફાડદંગબેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવડી-૧, છાપરવડી-૨, ભાદર-૨ ડેમ છલકાઈ ગયા છે.