મેલબર્ન : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે શનિવારે પાકિસ્તાન વિરુદ્ધ અહીં સીરીઝની બીજી ટેસ્ટ મેચ દરમિયાન બીજા દિવસે એક ઉપલબ્ધિ તેના નામે કરી લીધી છે. ૩૦ વર્ષના સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૭૦૦૦ રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે.
સ્મિથે તેની ૭૦મી ટેસ્ટ મેચની ૧૨૬મી ઇનિંગ્સમાં ઝડપી બોલર મોહમ્મદ મૂસાની બોલ પર એક રન લઇને વોલી હેમંડનો ૭૩ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ઇંગ્લેન્ડના આ પૂર્વ બેટ્સમેને ભારત વિરુદ્ધ ઓવલમાં વર્ષ ૧૯૪૬માં આ કીર્તિમાન હાંસલ કર્યું હતું, હેમંડે ૧૩૧ ટેસ્ટ ઇનિંગ્સમાં ૭૦૦૦ રન પૂરા કર્યા હતા.
ભારતના ધુરંધર ઓપનર વીરેન્દ્ર સહેવાગનો આ લિસ્ટમાં ત્રીજો નંબર છે. સહેવાગે ૭૩ મેચ અને ૧૩૪ ઇનિંગ્સમાં ૭૦૦૦ રન પૂરા કર્યા હતા. ગૈરી સોબર્સ, કુમાર સંગાકારા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ૧૩૮ ઇનિંગ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં ૭૦૦૦ રનનો આંકડો પાર કર્યો.
બે ટેસ્ટ મેચની સીરીઝ પહેલા મેચમાં ઇનિંગ્સ અને પાંચ રનથી જીત હાંસલ કરનાર ઓસ્ટ્રેલિયા ટીમે બીજી મેચમાં પણ તેની પકડ મજબૂત કરી લીધી છે. ઓપનર ડેવિડ વોર્નરે પણ બીજા દિવસે ડબલ સદી ફટકારી.