-
વીઝા વાંચ્છુઓએ સોશિયલ મીડિયાના નામ તેમજ પાંચ વર્ષના ઈ-મેલ એડ્રેસ તેમજ ફોન નંબરની વિગતો આપવી પડશે
વૉશિંગ્ટન,
અમેરિકાના વીઝા મેળવવા માટે હવે વીઝા વાંચ્છુઓએ સોશિયલ મીડિયાની બારિક વિગતો પણ ગૃહ વિભાગને આપવી પડશે. અમેરિકાના સ્ટેટ ડીપાર્ટમેન્ટના નવા નિયમો મુજબ યુએસ વીઝાની અરજી કરનારા વ્યક્તિએ સોશિયલ મીડિયાના નામો તેમજ પાંચ વર્ષના ઈ-મેલ એડ્રેસ અને ફોન નંબર્સની વિગતો પણ જણાવવી પડશે.
આ અંગેની દરખાસ્ત ગત વર્ષે કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ આ નિર્ણયથી વાર્ષિક ૧.૪૭ કરોડ વીઝા વાંચ્છુઓ પ્રભાવિત થશે. જો કે આ આકરા નિયમોમાંથી ચોક્કસ રાજદ્વારીઓ અને સરકારી અધિકારીઓને બાકાત રખાયા છે.
યુએસમાં કામ તેમજ અભ્યાસ માટે જતા તમામ લોકોએ તેમની સોશિયલ મીડિયાની ઝીણામાં ઝીણી વિગતો પણ સત્તાધીશોને આપવી પડશે. ‘અમે અમારી સમીક્ષા પ્રક્રિયાને વધુ સુધારવા માટે સતત કાર્યરત રહીએ છે. અમેરિકાના નાગરિકોની સુરક્ષા અને કાયદાકીય રીતે પ્રવેશવા માંગતા લોકોની બારિકાઈથી તપાસ કરવાનો પ્રાથમિક ઉદ્દેશ છે,’ તેમ યુએસના ગૃહ વિભાગે જણાવ્યું હતું.
એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ વીઝા માટે અરજી કરનાર કોઈ વ્યક્તિ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે ખોટી વિગતો આપશે તો તેની સામે ગંભીર પગલાં લેવાશે. ટ્રમ્પ સરકારે માર્ચ ૨૦૧૮માં સૌપ્રથમ આ પ્રક્રિયા લાગુ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
-
એક અંદાજ મુજબ આ નિર્ણયથી વાર્ષિક ૧.૪૭ કરોડ વીઝા વાંચ્છુઓ પ્રભાવિત થશે