નાગરિકતા કાયદો અને એનઆરસી મુદ્દે…
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સીએએ અને એનઆરસીના નામે રાજ્યમાં હિંસક પ્રદર્શનો કરનારાઓની એવી હાલત કરીશું કે તેમની આવનારી ૧૦ પેઢીઓ યાદ રાખશે. યોગીએ વિપક્ષ દળોને આડે હાથ લેતા કહ્યું કે, હવે તેઓ ઘરની મહિલાઓ અને બાળકોને આગળ કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલી મહિલાઓ અને બાળકો નથી જાણતા કે તેઓ કોનો વિરોધ કરી રહ્યા છે.
રાજ્યના કાનપુરમાં સીએએના સમર્થનમાં આયોજીત રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું કે,હિંસા કરનારાઓ વિરુદ્ધ રાજ્ય સરકાર પૂરી તાકાતથી કાર્યવાહી કરશે. ધરણા અને પ્રદર્શનના નામે લોકોની ભાવનાઓને ભડકાવવું, ઉત્તેજક નારા લગાવવા દેશદ્રોહની શ્રેણીમાં આવશે. આવા લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સરકાર કાર્યવાહી કરશે.
રેલીમાં સીએમ યોગીએ પીએમ મોદી અને ગૃહમંત્રીની સીએએને લઇને સ્પષ્ટતાને યોદ કરતા કહ્યું કે, આ કાયદો કોઇની પણ નાગરિકતા છીનવી લેવા માટે નથી ઘડાયો, પરંતુ કેટલાક પીડિતોને સુરક્ષિત જીવન આપવાના હેતુસર નાગરિકતા આપવા માટે ઘડાયો છે.