આગામી થર્ટીફર્સ્ટની ઉજવણીને લઈ દારૂની માંગ વધુ હોવાથી બુટલેગરો અગાઉથી જ જથ્થો સંગ્રહ કરી લેતાં હોય છે ત્યારે દારૂની પરમિટ ધરાવતા લોકો પણ પરમિટધારક હોટલમાંથી પોતાની માંગ અનુસાર પાર્ટીઓના પ્લાનીંગ કરી રહ્યા છે…
અમદાવાદ : આગામી થર્ટીફર્સ્ટની ઉજવણીને લઈ દારૂની માંગ વધુ હોવાથી બુટલેગરો અગાઉથી જ જથ્થો સંગ્રહ કરી લેતાં હોય છે ત્યારે દારૂની પરમિટ ધરાવતા લોકો પણ પરમિટધારક હોટલમાંથી પોતાની માંગ અનુસાર પાર્ટીઓના પ્લાનીંગ કરી રહ્યા છે. જેમની પાસે લીકર પરમીટ છે તેમણે પણ સમયસર લીકર મેળવવાની તૈયારી આદરી દીધી છે. જો કે સરકારના એક પરીપત્રએ લિકર પરમિટધારકો અને લિકરશોપ માલિકોની થર્ટી ફર્સ્ટ બગાડી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે.
તમને જણાવી દઇએ કે, જે શહેરોની હોટલોમાં લિકર શોપ છે. તેવી હોટલના માલિકો પણ સરકારી પરિપત્રથી નારાજ થઇ ગયા છે. નશાબંધી અને આબકારી વિભાગે એવો પરિપત્ર જાહેર કર્યો છે કે રાજ્યના જિલ્લા તાલુકા પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચુંટણી તા. ૨૯-૧૨-૨૦૧૯ના રોજ યોજાનાર છે. આથી તા. ૨૭-૧૨-૨૦૧૯ના સાંજે ૫ વાગ્યાથી તા. ૨૯-૧૧૨-૨૦૧૯ની સાંજે પાંચ સુધી તથા મત ગણતરી ૩૧-૧૨-૨૦૧૯ના રોજ હોવાથી આખો દિવસ લિકરશોપ બંધ રાખવી.
આ સાથે જ રાજ્ય સરકારના પરિપત્રમાં સાફ જણાવવામાં આવ્યું છે કે, ૩૦ ડિસેમ્બરે આખો દિવસ લિકરશોપ બંધ રાખવી પડશે. હવે થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે જે પરમિટધારકો તૈયારી કરીન બેઠા છે તેમને તા. ૨૭મી ડિસેમ્બરથી લિકર મળશે નહી, જેથી તેમના આયોજન ખોરવાઇ શકે છે. સરકારના આવા પરિપત્રથી અમદાવાદની તથા રાજ્યની તમામ લિકરશોપના માલિકો ભારે નારાજ થયા છે. ઉલ્લેખનીય છે કે, ૩૧stમાં લિકરનો ઉપાડ સામાન્ય દિવસ કરતા વધારે હોય છે. આવા પરિપત્રને લઇને ચોક્કસ ધંધા ઉપર માઠી અસર પડી શકે છે.