ન્યુ દિલ્હી : પરમેનેન્ટ એકાઉન્ટ નંબરને આ વર્ષે ૩૧ ડિસેમ્બર સુધીમાં આધાર સાથે લિન્ક કરવું ફરજિયાત છે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે ‘આવતી કાલને શ્રેષ્ઠ બનાવવા માટે આવક સેવાઓનો લાભ લેવા માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનું મહત્વનું કાર્ય ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરી લેવું.’
આવકવેરા વિભાગ તરફથી જાહેર કરાયેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે સાંકળવું ખૂબ જ જરૂરી છે. કેન્દ્રીય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરેલી સૂચનામાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમય મર્યદા વધારીને ૩૧ ડિસેમ્બર કરી હતી. આ અગાઉ આ સમય મર્યાદા ૩૦ સપ્ટેમ્બર સુધીની હતી.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રની મુખ્ય આધાય યોજનાને બંધારણીય રીતે કાયદેસરની ગણાવતા એવી વ્યવસ્થા કરી હતી કે ઈન્કમટેક્ષ રિટર્ન જમા કરાવવા માટે પાન કાર્ડ મેળવવા માટે બાયોમેટ્રિક ઓળખ નંબર ફરજિયાત રહેશે. આવકવેરા કાયદાની કલમ ૧૩૯ છછ(૨) પ્રમાણે જે પણ વ્યક્તિ પાસે ૧ જુલાઈ ૨૦૧૭ સુધી પાન કાર્ડ હોય અને તે આધાર કાર્ડ મેળવી શકવા માટેની લાયકાત ધરાવતો હોય હોય તો તેને પોતાના આધાર કાર્ડ નંબરની જાણકારી આવકવેરા વિભાગને ફરજિયાત રીતે આપવી પડશે.