સુપ્રિમે તમામ અરજીઓ પાંચ જ્જોની બંધારણીય બેન્ચને મોકલી…
ન્યુ દિલ્હી,
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ ૩૭૦ હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ અરજીઓ મોકલી આપતા હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તમામ અરજીઓ પર સુનાવણી થશે. હાલમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ અયોધ્યા કેસ પર સુનાવણી કરી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને નોટિસ જાહેર કરી છે. અરજદાર જામિયાના વિદ્યાર્થી સાથે સીપીઆઈ નેતા સિતારામ યેચુરી પણ હતા. સુપ્રીમ કોર્ટે અરજદારોને કાશ્મીર મુલાકાત માટે જવા પરવાનગી આપી છે, પરંતુ નિર્દેશ પણ આપ્યો છે કે તેઓ ત્યાં મુલાકાત વખતે કોઈ વધારાની પ્રવૃતિ ના કરે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં મીડિયાની આઝાદી અંગે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે. જામિયાના વિદ્યાર્થી મોહમ્મદ અલીમ સૈયદને પોતાના પરિવારને મળવા માટે અનંતનાગ જવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી છે. અરજદારે જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે સંપર્ક નથી કરી શકતો અને તેને તેના વાલીઓને મળવું છે. ચીફ જસ્ટિસે જણાવ્યું કે, ‘તમને તમારા વાલીઓના ખબરઅંતર પૂછવા અનંતનાગ જવાની મંજૂરી આપવામાં આવે છે.’ ઘરેથી પરત દિલ્હી આવ્યા બાદ કોર્ટમાં એક એફિડેવિટ ફાઈલ કરવાનો નિર્દેશ પણ કોર્ટે અરજદારને આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કલમ ૩૭૦ નાબૂદ કરવા મામલે નોટિસ ફટકારી હતી. કાશ્મીર ટાઈમ્સની એક્ઝિક્યુટિવ એડિટર અનુરાધા ભસીનની અરજી પર પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી. ભસીને ક્ષેત્રમાં ઈન્ટરનેટ, લેન્ડલાઈન અને અન્ય સંચાર માધ્યમો પર પ્રતિબંધમાં છૂટ આપવા અરજી કરી હતી.
કલમ ૩૭૦ને રદ કરવાની બંધારણીય યોગ્યતા સામે કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું કે ભારતના નાગિરકના નાતે દરેક નાગરિકને દેશના કોઈપણ ભાગમાં જવાની સ્વતંત્રતા હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવા માટે કોર્ટ સરકારને થોડો સમય આપવા માંગે છે.
સિતારામ યેચુરીને સુપ્રીમ કોર્ટે શ્રીનગર મુલાકાત માટે જવા મંજૂરી આપી હતી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમે તમારા મિત્રને મળવા કાશ્મીર જઈ શકો છો, પરંતુ ત્યાં કોઈ અન્ય પ્રવૃતિ કરી શકો નહીં. કેન્દ્ર સરકારે યેચુરીની શ્રીનગર મુલાકાતને રાજકીય ગણાવી હતી. કોર્ટે યેચુરીને જણાવ્યું હતું કે જો તમે ત્યાં અન્ય પ્રવૃતિ કરશો તો તે કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાશે.