રાજકોટ : આઠ વર્ષની બાળકીને તે બગીચામાં પરિવારજનો સાથે સુતી હતી ત્યાંથી ઉઠાવી જઇ નજીકના નાળા નીચે લઇ જઇ દુષ્કર્મ આચરી લોહીલુહાણ કરી નાંખનારા ભારતનગરના હરદેવ મશરૂ માંગરોલીયાને બે દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હોય પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરી રહી છે. ઓળખ પરેડની કાર્યવાહીમાં પણ ભોગ બનેલી બાળાએ તેને ઓળખી બતાવ્યો હતો. એ પછી બપોર બાદ હવસખોર હરદેવને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઘટના સ્થળે લઇ જઇ રિક્ન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી. પોલીસની જીપમાંથી તે બિન્દાસ્ત ઉતર્યો હતો, ચહેરા પર જરા પણ અફસોસના ભાવ દેખાતા નહોતાં. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની સાથે ચાલતો ચાલતો તે બધાને એ જગ્યાએ લઇ ગયો હતો જ્યાં તેણે બાળા પર હેવાનીયત આચરી હતી. નીચે બેસીને તેણે જગ્યા બતાવી હતી. પોલીસની આ કાર્યવાહી નિહાળવા લોકોના ટોળેટોળા અમુલ સર્કલ પાસે ઉમટી પડ્યા હતાં. લોકોએ કાર્યવાહી વખતે પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતાં.
હરદેવ ગત શુક્રવારે રાતે ચિક્કાર નશાની હાલતમાં હતો. બાળાને તેના પરિવારજનો સાથે સુતેલી જોઇને ઉઠાવવા માટે ત્યાં ગયો હતો. પરંતુ કૂતરા ભસતાં અને પાછળ દોડતાં તે ભાગી ગયો હતો. એ પછી રાતે ફરીથી પહોંચ્યો હતો. સુતેલી બાળાને તેના જ ગોદડા સમેત ઉઠાવી ગોદડાથી જ મોઢે મુંગો દઇ નજીકના પુલ નીચે લઇ ગયો હતો અને ત્યાં છરી બતાવી બાળા સાથે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટથી અંજવાળુ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળા આ હેવાનીયતને કારણે લોહીલુહાણ થઇ ગયા પછી તે કપડા પહેરી હમણા આવું તેમ કહીને બાળાને ત્યાં જ મુકી ભાગી ગયો હતો. બાદમાં દુષ્કર્મ આચર્યુ એ સ્થળથી થોડે જ દૂર રેતીના ઢગલા પર જઇ સુઇ ગયો હતો.