રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ જે ખેડૂતોની મગફળીમાં ૮ ટકાથી વધારે ભેજનું પ્રમાણ છે તેમનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે. કેટલાય ખેડૂતોનો માલ રિજેક્ટ થતાં આજે ખેડૂતોએ સરકારના આ નિયમ સામે હોબાળો મચાવ્યો છે. માલ રિજેક્ટ થતાં બિચારા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભેજના પ્રમાણમાં બાંધછોડ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.
સરકારના પુરવઠા વિભાગ તરફથી આવેલા ગ્રડરોએ જણાવ્યું કે ’સરકારી નિયમ મુજબ જે ખેડૂતોની મગફળીમાં ૮ ટકાથી વધારે ભેજ હશે તેમનો માલ રિજેક્ટ થશે. ઉપરાંત જે ખેડૂતોની મગફળીમાં ૪ ટકાથી વધારે કચરો હશે તેમનો માલ પણ રિજેક્ટ થશે. પ્રત્યેક ખેડૂતોની મગફળીમાંથી ૨૦૦ ગ્રામના ૩ સેમ્પલ લઈ માલની ચકાસણી કરવામાં આવી રહી છે.
હરિપરના એક ખેડૂતોએ જણાવ્યું કે ૧૫ દિવસથી ખરીદીની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદ વરસવાના લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં મગફળીમાં પાંચથી સાત ટકા ભેજ જોવા મળી રહ્યો છે. જોકે, સરકારે આ મામલે બાંધ છોડ કરવી જોઈએ.
ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ તો રહેશે. મગફળી કાળી પડી જવાની પણ ફરિયાદો છે તો સરકારે આ મામલે બાંધછોડ કરવી જોઈએ. મગફળીના મામલે ઓનલાઇન સરવેની જે વાત હતી તેમાં કોઈ પણ ફોન નંબર લાગતા નહોતા. હવે ખેડૂતોને જે નુકશાની થઈ છે તેમાં ખેડૂતો કઈ કરી શક્યા નહોતા અને લાચાર બની નુકશાની વેઠવાનો જ વારો આવ્યો છે.