આણંદ : ઉમરેઠ-ડાકોર રોડ ઉપર બસ સ્ટેશન સામે અને પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટર દુર આવેલ એક શીટ કવરની દુકાનની છતનું મોડી રાત્રે તસ્કરોએ પતરું કાપીને દુકાનમાં ઉતર્યા હતા અને દુકાનનો માલસામાન વેરણ છેરણ કરી દીધો હતો અને કેબલના ડ્રોવરમાં મુકેલા રોકડા ૯૦ હજાર તથા અન્ય નાની મોટી ચીજવસ્તુઓ ચોરી કરીને લઈ જતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉમરેઠ પોલીસ સ્ટેશન નજીકમાં હોવા છતાં તસ્કરોએ દુકાન ઉપર ચઢીને કટરથી પતરું કાપીને અંદર ઉતર્યા તેમ છતાં પોલીસની નજરસુદ્ધા પણ ગઈ ન હતી. જેને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ઉમરેઠ શહેરમાં રહેતા મુનવ્વર બસીરમીયા ચૌહાણ વર્ષોથી ઉમરેઠ બસ સ્ટેશન પાસે સર્વોદય સોસાયટી નજીક નાઈસ સીટ કવર અને ઓટો પાર્ટસની દુકાન ધરાવે છે. તેઓ વેપારીઓને આપવા માટે ૯૦ હજાર રુપિયા લાવ્યા હતા અને રાત્રે દુકાનમાં ટેબલના ડ્રોવરમાં મુકી દુકાન બંધ કરી હતી. ત્યારે મોડી રાત્રે ટ્રાફિકથી ભરપુર અને પોલીસની અવર જવર સતત રહેતી હોય તેવા વિસ્તારમાં જ તસ્કરોએ આ દુકાનની છત ઉપર ચઢીને છતનું પતરું કાપી બાકોરું પાડીને અંદર ઉતર્યા હતા અને એક ડ્રોવરમાં મુકેલા રુ. ૯૦ હજાર રોકડા તથા નાની મોટી ચીજવસ્તુઓ ચોરી કરી હતી. અને દુકાનનો માલ સામાન વેરણ છેરણ કર્યો હતો. આજે સવારે દુકાનદારે પોતાની દુકાન ખોલી ત્યારે દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું.