સીઝફાયર ઉલ્લંઘન : ભારતના સૈન્યએ પાકિસ્તાનની ઘણી ચોકી તોડી પાડી…
રાજૌરી : પાકિસ્તાન તરફથી સીમાપારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓ ધ્વસ્ત કરવાની સાથે કેટલાક પાકિસ્તાની રેન્જર્સને પણ મારી પાડ્યા છે. લાઇન ઑફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું એકવાર ફરી પાકિસ્તાનને ભારે પડ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ચોકીઓને તબાહ કરી છે. આ સાથે જ ભારતીય સેનાએ ૩-૪ પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવાર રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતુ અને મોર્ટારથી હુમલો કર્યો હતો. આ પહેલા બુધવારનાં જમ્મુ-કાશ્મીરનાં ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને મોર્ટાર ફેંક્યા અને ગોળીબાર પણ કર્યો. પાકિસ્તાની સેનાની આ કાયરતાપૂર્ણ હરકતમાં ભારતીય સેનાનો એક જવાબ શહીદ થયો. ભારત તરફથી પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપવામાં આવ્યો.
ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ તબાહ થઈ. આ સાથે જ પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું કે તેના ૪ સૈનિકો પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરનાં દેવા સેક્ટરમાં માર્યા ગયા. બુધવારનાં રામપુર સેક્ટર (ઉરીની નજીક) પાકિસ્તાન તરફથી સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ જેમાં સુબેદાર વીરાશ કુરહાઠી શહીદ થયા હતા અને સ્થાનિક મહિલાનું પણ મોત થયું હર્ત
પાકિસ્તાની સેનાએ બારામુલા જિલ્લાનાં અનેક સેક્ટરોમાં નાગરિક અને રક્ષા ઠેકાણાઓ પર હળવા હથિયારોથી હુમલો કર્યો. તોપોથી દાગવામાં આવેલા ગોળાનાં કારણે નિયંત્રણ રેખાની નજીકનાં વિસ્તારોમાં રહેતા ગ્રામીણોમાં ડરનો માહોલ પેદા થયો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને તણાવનો આ માહોલ ત્યારે વધાર્યો છે જ્યારે ભારત સરકારે હાલમાં જ કાશ્મીરથી ૭ હજારથી વધારે સુરક્ષાકર્મીઓને પરત બોલાવી લીધા છે, જેમને કલમ ૩૭૦ હટાવામાં આવ્યા પહેલા તૈનાત કરવામાં આવ્યા હતા.