ડાન્સ, ડીનર, ડીજેની ધૂમ મચશેઃ આતશબાજીથી આકાશ ઝળહળી ઉઠશે : હોટલો, રેસ્ટોરન્ટ, પાર્ટીપ્લોટ, ફાર્મ હાઉસ વગેરેમાં સેલીબ્રેશનના આયોજનો : રાતભર ચાલશે ઉજવણી : થીમ આધારિત પાર્ટીઓ : તમામ તૈયારીઓને અંતિમ ઓપઃ પોલીસ પણ એલર્ટ…
નવી દિલ્હી : ઈસુના ૨૦૧૯ના વર્ષને વિદાય આપવા અને ૨૦૨૦ને ઉમળકાભેર આવકારવા સર્વત્ર થનગનાટ પ્રવર્તી રહ્યો છે. ડાન્સ, ડીજે, ખાણીપીણીના જલ્સા સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણીના દેશભરમાં આયોજનો થયા છે. શહેરોની હોટલો-રેસ્ટોરન્ટોમાં મનોરંજનના વિવિધ કાર્યક્રમો યોજાયા છે તો સાથે સાથે પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસોમાં પણ જલ્સા કાર્યક્રમો યોજાયા છે.
નવા વર્ષને ઉત્સાહભેર આવકારવા માટે સર્વત્ર તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ આ ઉજવણી રંગેચંગે થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એલર્ટ બની છે. આજે રાત્રે ૧૨ વાગતા જ સમગ્ર દુનિયા જશ્નમાં ડૂબી જશે. કડકડતી ઠંડી વચ્ચે ગીત-સંગીતની ધૂન પર લોકો ઝૂમી ઉઠશે એટલુ જ નહિ આકાશ પણ આતશબાજીના વિવિધ રંગોથી ભરાઈ જશે. નવા વર્ષને અલગ અલગ ઢંગથી મનાવવા માટે યુવાવર્ગે વિશેષ તૈયારીઓ કરી છે. દરેકે કંઈકને કંઈક ખાસ કરવાની તૈયારી કરી છે. કયાંક રશિયાથી બેલે ડાન્સરો બોલાવવામાં આવી છે તો કયાંક બોલીવુડના કલાકારોને બોલાવવામાં આવ્યા છે. આજે વિશ્વભરના ચર્ચોમાં ખાસ પ્રાર્થનાસભાઓ યોજાશે. શહેરોની હોટલોમાં આજે મીડ નાઈટમાં ન્યુ યર સેલીબ્રેશન મનાવવામાં આવશે. આ દરમિયાન તમામ જગ્યાએ અલગ અલગ થીમ પર ન્યુ યર પાર્ટી યોજાઈ રહી છે. લેડીઝ માટે સ્પેશ્યલ ડ્રેસ થીમ પણ રાખવામાં આવી છે. આજે શહેરોમાં ગીફટ ગેલેરી ખાતે યુવાવર્ગ ધૂમ ખરીદી કરી રહ્યો છે. ફુલોની દુકાનોએ પણ ઘરાકી જોવા મળી રહી છે. આજે ગીફટ કાર્ડ, ગીફટ પેક, બુકે, ડાયરી, ચોકલેટ, પરફયુમ, લેડીઝ પર્સ વગેરેની ખરીદી થઈ રહી છે.