મોદી પોતાની અનુકૂળતાના ૫ ટીકાકારોને પસંદ કરે…
ન્યુ દિલ્હી : પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદાની ટીકાઓનો જવાબ ન આપવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે. ચિદમ્બરમે કહ્યું કે મોદી પોતાની અનુકુળતા પ્રમાણે ૫ ટીકાકારોને પસંદ કરે અને તેમની સાથે ટીવી પર સવાલ-જવાબ કાર્યક્રમમાં ભાગ લે, જેથી લોકોને કાયદા વિશે પોતાનો અભિપ્રાય આપવામાં મદદ મળી શકે. ચિદમ્બરમે વધુમાં કહ્યું કે આશા રાખું છું કે આ સુચનનો તેઓ યોગ્ય જવાબ આપશે.
ચિદમ્બરમના જણાવ્યા મુજબ, મોદી કહે છે કે સીએએથી લોકોને નાગરિકતા મળશે, છીનવાશે નહિ. જ્યારે મોટાભાગના લોકો માને છે કે સીએએ ઘણા લોકોની નાગરિકતા છીનવી લેશે. વડાપ્રધાન સ્ટેજ પરથી બોલે છે, સવાલો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. અમે ઈચ્છીએ છે કે મીડિયા દ્વારા તે સવાલોના જવાબ આપે.
ચિદમ્બરમે ટિ્વટ કર્યું મોદી ટીકાઓ પર વાત કરતા નથી. તેની પર વાત કરવાની તે કોઈ તક પણ આપતા નથી. તેમની સાથે વાત કરવાની સાચી રીત એ જ છે કે તે પોતાની પસંદગીના ૫ ટીકાકારો પસંદ કરી લે અને ટીવી પર તેમના સવાલના જવાબ આપે. તેને સંભાળીને લોકોને સીએએ વિશે પોતાનો મત આપવાનો ખ્યાલ આવશે.