શોપિયા : જમ્મુ-કાશ્મીરમાં આજે જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાને સફળતા હાથ સાંપડી છે. શોપિયાંમાં થયેલી આ અથડામણમાં જવાનોએ હિઝ્બુલના ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. જેમાં પોલીસના એક ભાગેડુનો પણ સમાવેશ થાય છે. આ અથડામણ શોપિયાંના વાચી વિસ્તારમાં થઈ હતી. આતંકવાદીઓને ઠાર કર્યા બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળતાની સાથે જ સુરક્ષાકર્મીઓએ શોપિયાં જિલ્લાના વાચી વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું કે અમે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું પરંતુ તેમ છતા તેઓએ અમારા પર ગોળીબાર કરવાનું ચાલું રાખ્યું હતું.
બંને બાજુથી થઈ રહેલા અંધાધૂંન ગોળીબારમાં ભારતીય જવાનોને હિઝ્બુલના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. ઠાર કરાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એકની ઓળખ આદિલ અહમદ તરીકે કરવામાં આવી છે. જે સ્પેશિયલ પોલીસ અધિકારી હતો ૨૦૧૮માં પોલીસની નોકરી છોડીને વાચીના તત્કાલીન ધારાસભ્ય એઝાઝ અહમદ મીરના ઘરમાંથી સાત એકે રાયફલ લઈને ફરાર થઈ ગયો હતો.
આ પહેલાં ૧૫ જાન્યુઆરીએ ડોડા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટનામાં સેનાએ એક આતંકીને ઠાર કરી દીધો હતો. આતંકીઓ સામે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ આતંકી પકડાયો નહતો.
આ પહેલાં ૧૨ જાન્યુઆરીએ સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ગુલશન પોરામાં સેનાએ સાથે અથડામણમાં ત્રણ આતંકી ઠાર થયા હતા.