સામાન્ય રીતે સ્ટારને ખૂબ જ મહેનત બાદ ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળે છે. આ સ્ટારમાંથી એક છે અનુષ્કા શર્મા. અનુષ્કાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં સારી એવી જગ્યા બનાવી લીધી છે. તે સારાં પાત્ર તો ભજવે છે, સાથે-સાથે ફિલ્મ નિર્માત્રી બનીને તેણે સાબિત પણ કરી દીધું છે કે મનમાં વિશ્વાસ હોય અને સાથે ઝનૂન હોય તો કોઇ પણ કામ કરવું મુશ્કેલ કે નામુમકિન નથી.
અનુષ્કા પોતાની એક્ટિંગ કરિયરથી સંપૂર્ણ સંતુષ્ટ છે અને તે ખુદને ખુશકિસ્મત માને છે કે તેને હંમેશાં સારી ફિલ્મો મળી છે. આ માટે તે આદિત્ય ચોપરાનો આભાર માને છે, કેમ કે તેણે અનુષ્કા પર વિશ્વાસ મૂક્યો. અનુષ્કા કહે છે કે હું ફિલ્મો લાલચથી કરતી નથી. હંમેશાં મારી કોશિશ રહી છે કે કંઇક આઉટ ઓફ ધ બોક્સ કરી શકું.
લગ્ન પછી સામાન્ય રીતે છોકરીઓને પુરુષોની બરાબર દરજ્જો મળતો નથી. આ અંગે વાત કરતાં અનુષ્કા કહે છે કે હું તમારી વાત સાથે સહમત છું. ઘરે બેઠેલી મહિલાઓને સમાન હક મળતા નથી. તેમનું કામ સરળ નથી, છતાં તેમને કોઇ સપોર્ટ કરતું નથી. ઘર ચલાવવું મોટા મેનેજમેન્ટની વાત છે. ઘરમાં રહેનારી મહિલા પાસે દસ પ્રકારનાં કામ હોય છે.
ઘર ચલાવવું કોઇ પણ રીતે બાકીનાં બીજાં કામ જેવું જ છે. આપણે તે મહિલાઓને ખૂબ જ ઇજ્જત આપવી જોઇએ. પોતાની પર્સનલ લાઇફ અંગે વાત કરતાં તે કહે છે કે વિરાટ ક્રિકેટ સાથે જોડાયેલા નિર્ણય જાતે લે છે. મારા ફિલ્ડનાં ડિસિઝન મારાં પોતાનાં હોય છે. અમે એકબીજાના પ્રોફેશનનું રિસ્પેક્ટ કરીએ છીએ અને એકબીજાને સપોર્ટ કરીએ છીએ.