જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એક AK રાયફલ અને એક SLR જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, બિજબેહરા એનકાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. આતંકીઓની ઓળખ સફદ આમિન ભટ અને બુરહાન એહમદ ગાની તરીકે થઈ છે. જણાવી દઈએ કે, અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં સવારથી જ સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી.
મળતી માહિતી અનુસાર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં સવારે સુરક્ષાદળોને આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષાદળ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોએ આતંકીઓની ગોળીબારીને જડબાતોડ જવાબ આપતા 2 આતંકીઓને ઠાર કર્યા હતા.