કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજાત સિંઘ સિધૂએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું તમને પૂછું છું નરેન્દ્ર મોદી. રાફેલ ડીલમાં તમે દલાલી કરી છે કે નહીં? તમે મારી સાથે દેશના કોઇપણ ખૂણે બેસીને આ મામલે ચર્ચા કરી લો. રાહુલજી તો એક મોટી તોપ છે. તેઓ તો ટોપ છે અને હું એકે-૪૭ છું.
તેમણે જણાવ્યું હતું કે, હું તમને પડકાર આપું છું નરેન્દ્ર મોદી, જા સિધૂ હારી જશે તો રાજકારણ છોડી દેશે. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ગંગાના લાલ બનીને આવ્યા હતા અને ૨૦૧૯માં રાફેલના દલાલ બની જશે.
તેમણે ઉમેર્યું હતું કે, મોદી હિન્દુત્વની વાત કરે છે પરંતુ પોતે જ પોતાના સિદ્ધાંતોનું પાલન નથી કરતા. મારી માતા ક્ષત્રિય હતી. રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પણ વચન ન જાય. પરંતુ મોદીએ ૨૦૧૪થી અત્યાર સુધી ૩૪૨ વચનો આપ્યા તેમાંથી મોટા ભાગના પૂરા થયા નથી.