આગામી વર્ષાન્તે પાલિકાની ચૂંટણી પૂર્વે આગામી દોઢ માસમાં આણંદને મહાપાલિકા બનાવવાના તખ્તા ગોઠવાઇ ગયાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે…
આણંદ,
છેલ્લા દોઢ દાયકાથી આણંદ પાલિકાને મહાપાલિકા બનાવવા સ્થાનિક સ્તરેથી અનેકવાર રજૂઆતો રાજય સરકારને કરવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર મહાપાલિકાનું સ્વપ્ન સાકાર થવા પામ્યું ન હતું. તાજેતરના લોકસભા જંગ બાદ પણ મહાપાલિકા જાહેર થાય તેવી શકયતા વર્તાવા પામી હતી પરંતુ પ્રજામાં પુનઃ મહાપાલિકા બનશે કે કેમ મુદ્દે આશંકાઓ ઉઠવા પામી હતી. ત્યારે આગામી વર્ષાન્તે પાલિકાની ચૂંટણી પૂર્વે આગામી દોઢ માસમાં આણંદને મહાપાલિકા બનાવવાના તખ્તા ગોઠવાઇ ગયાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદને જિલ્લો બન્યાને બે દાયકા વિતવા છતાં સરકારના વિકાસગાણાની અમી છાપ સ્થાનિક નેતાઓની હુંસાતુસીના કારણે અત્રે વિકાસ પર પડવા પામી ન હતી. તેમ છતાં વર્ષ ૨૦૦૫ના સમયગાળામાં આણંદ પાલિકામાં વહીવટદાર મુકાતા તેમના કાર્યકાળ દરમ્યાન આણંદને મહાપાલિકા બનાવવા મુદ્દે દરખાસ્ત સરકારમાં મુકવામાં આવી હતી અને તેના પગલે ૨૦૦૭ના વિધાનસભા જંગ દરમ્યાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદને મહાપાલિકા આપવાના વેણ વચન આપ્યા હતા. જે અંતર્ગત વર્ષ ૨૦૧૨ના વિધાનસભા જંગ પૂર્વે આણંદમાં અવકુડાની રચના કરવામાં આવતા મહાપાલિકા પ્રાપ્ત થવાના સંજોગો પ્રબળ બનવા પામ્યા હતા પરંતુ સ્થાનિક નેતાઓની હુંસાતુસી પુનઃ આડે આવવા પામતા આણંદને મહાપાલિકા મળવા પામશે કે કેમ મુદ્દે પ્રજામાં પણ તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી હતી અને આ મુદ્દે ડીસેમ્બર ૨૦૧૭ના વિધાનસભા જંગ પૂર્વે શકયતા પ્રબળ બનવા પામી હતી પરંતુ પુનઃ નિરાશા મળવા પામતા આણંદગરાઓ માટે મહાપાલિકાનું સ્વપ્ન દિવા સ્વપ્ન બનવા પામી રહ્યાની લાગણી પણ ઉઠવા પામી હતી. ત્યારે ગત માસે લોકસભા જંગ બાદ આણંદને મહાપાલિકાની ભેટ આપવાની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ ઉભી થવા પામી હતી.
ત્યારે આગામી વર્ષાન્તે રાજયની વિવિધ પાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોના ચૂંટણીજંગ યોજાનાર હોય શાસક પક્ષ દ્વારા અત્યારથી જ કવાયત જીત માટે હાથ ધરવામાં આવી રહી છે. તેના પગલે આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે આગામી દોઢ માસમાં આણંદને મહાપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયાનું જાહેર કરવાની શકયતા પ્રબળ થવા પામી હોવાનું જાણવા મળેલ છે અને જો આણંદને મહાપાલિકા આગામી દોઢ માસના સમયગાળામાં ફાળવવામાં આવે તો આગામી વર્ષાન્તે યોજાનાર ચૂંટણી જંગ પૂર્વે નવા વોર્ડ સીમાંકનની ફાળવણી પણ તૈયાર થઇ શકે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે દશ કી.મી.ના વિસ્તારને આણંદ મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તેવા આયોજન પણ કરવામાં આવી રહ્યા હોય આ વખતે સરકારના વેણ અને વચન સાકાર થાય તેવી શકયતાઓ પ્રબળ બનવા પામે તેવી ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે અને આ મુદ્દે તખ્તા પણ ગોઠવાઇ ગયાનું જાણવા મળેલ છે.