ટ્રેનમાં ટીટીઇ પાસેથી ટિકિટ ખરીદી શકાશેઃ પેસેન્જરો માટે રાહતરૂપ નિર્ણય…
નવી દિલ્હી : ઇમર્જન્સીમાં ટ્રેનનો પ્રવાસ કરવો હશે અને ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવા માટે સમય ન મળ્યો હોય તેવા સંજોગોમાં હવે પ્લેટફોર્મ ટિકિટ ખરીદીને પણ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. પેસેન્જરે ટ્રેનમાં ટીટીઇ પાસેથી ટિકિટ ખરીદવાની રહેશે. પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂ.૧૦ હોય છે અને તે માત્ર એક જ વ્યકિત માટે વેલિડ હોય છે. પ્લેટફોર્મ ટિકિટના આધારે વ્યકિત બે કલાક સુધી પ્લેટફોર્મ પર રહી શકે છે.
જોકે પ્રવાસી પાસે એ જ દિવસની રેલ્વે ટિકિટ હોય તો પ્લેટફોર્મ ટિકિટની આવશ્યકતા રહેતી નથી. પ્લેટફોર્મ ટિકિટ એક એવા પ્રકારની ટિકિટ છે જે પ્લેટફોર્મ પર પ્રવેશ મેળવતાં પહેલાં રેલ્વે સ્ટેશન પર ટિકિટના કાઉન્ટર પરથી ખરીદવી પડે છે. પ્લેટફોર્મ ટિકિટ દ્વારા માત્ર પ્લેટફોર્મ પર પ્રવેશવાની મંજૂરી મળે છે, પરંતુ પ્લેટફોર્મ ટિકિટના આધારે ટ્રેનમાં પ્રવેશવાની કે ટ્રેન દ્વારા જે સેવાઓ આપવામાં આવતી હોય છે તેનો ઉપયોગ કરવાની મંજૂરી મળતી નથી, પરંતુ હવે રેલ્વેએ આ સગવડ આપવાની શરૂઆત કરી છે.