ટેક્સાસના શોપિંગ મોલમાં ફાયિંરગથી ૨૦ના અને ઓહિયોના બારમાં ગોળીબારથી ૯ના મોત…
પોલીસે ટેક્સાસના હુમલાખોરની ધરપકડ કરી, બંન્ને ફાયરિંગની ઘટનામાં કુલ ૩૦થી વધુ લોકો ઘાયલ,ટેક્સાસમાં ગોળીબારના સમયે સ્ટોરમાં ૩૦૦૦ લોકો શોપિંગ કરી રહ્યા હતા…
અમેરિકામાં શૂટ આઉટની બે અલગ-અલગ ઘટનાઓમાં ૨૯ લોકોના મોત થયા છે. ટેક્સાસના શોપિંગ મોલમાં થયેલા ગોળીબાર બાદ ઓહિયોમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અમેરિકાના ટેક્સાસમાં વોલમાર્ટ સ્ટોર પર શૂટઆઉટ થયું છે. જેમાં ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૨૬ લોકો ઘાયલ થયાં છે. તો બીજી બાજુ ઓહિયોના ડેટોન શહેરમાં થયેલા હુમલામાં ૯ લોકોના મોત થયા છે અન્ય સંખ્યાબંધ લોકો ઘવાયા છે. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરનું પણ મોત થયું છે.
ડેટન પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઓરેગન જિલ્લામાં બપોરે ૧.૨૨ કલાકે હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું પરંતુ અધિકારીઓએ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ હુમલામાં લગભગ ૧૬ લોકોને ઈજા પહોંચી છે જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમારી પાસે ઘણા હુમલાખોરો હોવાનો અહેવાલો છે. અમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ શકમંદોને કબજે લેવામાં આવ્યા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર ઘટનાને ટિ્વટ કરી છે. તેમણે કહ્યું કે ટેક્સાસમાં ભયંકર ગોળીબાર થયો છે. અહેવાલો ખૂબ જ ખરાબ છે, ઘણા માર્યા ગયા છે. હું રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યો છું. મેં ગવર્નર સાથે પણ વાત કરી છે અને તેમને તમામ મદદની ખાતરી આપી છે.
ટેક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે કહ્યું કે ગોળીબારમાં ૨૦ લોકો માર્યા ગયા છે. પેટ્રિકે ફોક્સ ન્યૂઝને કહ્યું કે અમારી પાસે ૧૫ અને ૨૦ લોકોનાં મોતની માહિતી છે. સ્થાનિક સમય મુજબ સવારે ૧૦ વાગ્યે આ ઘટના બની હતી.
અમેરિકાના વોલમાર્ટ સ્ટોરમાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં શૂટિંગની આ બીજી ઘટના છે. ગયા અઠવાડિયે કેલિફોર્નિયાના ગિલરોયમાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલમાં ફાયરિંગ થયું હતું, જેમાં ૩ લોકો માર્યા ગયા હતા.
આ અગાઉ જૂનના છેલ્લા અઠવાડિયામાં ટેક્સાસમાં ફાયરિંગની બે ઘટનાઓ બની હતી. સ્થાનિક પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. અમેરિકી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, એક ૨૮ વર્ષીય વ્યક્તિએ ઇરાદાપૂર્વક ડલ્લાસ સ્ટ્રીપ ક્લબની બહાર ગોળી મારી હતી. પોલીસના જણાવ્યા મુજબ પીડિત અને શંકાસ્પદ વ્યક્તિ ક્લબની નજીકના પાર્કિંગમાં હતો ત્યારે શંકાસ્પદ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
- Nilesh Patel