ચાલુ માસમાં માત્ર મેલેરિયાના ૧૬ કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા…
વડોદરામાં વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા ૧૫ દિવસમાં ૭૦૦૦થી વધુ લોકોને ઝાડા ઉલટી, તો ૧૫ હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ માસમાં માત્ર મલેરિયાના ૧૬ કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. જયારે ડેન્ગયુ કે ચિકનગુનિયાનો કેસ નથી નોંધાયો.
વડોદરાના સરકારી એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને કલાકો બાદ નંબર આવી રહ્યો છે. તો શહેરના ખાનગી દવાખાનાના પણ આવા જ હાલ છે. શહેરના વારસિયા, યાકુતપુરા, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, છાણી સહિત અનેક વિસ્તારમાં ફેલાયો રોગચાળો ફેલાયો છે.
જોકે રોગચાળોની વચ્ચે કોર્પોરેશન દાવો કરી રહી છે કે તેમણે ૨ લાખથી વધુ પરિવારનો સર્વે કર્યો છે. ૮૦૦૦ દર્દીઓની તપાસ કરી છે. ઓ.આર.એસના ૭૫૦૦ પેકેટ, ૧ લાખ ૧૫ હજાર ક્લોરીનની ગોળીઓ લોકોને આપી છે. સાથે જ ૧૪૫ મેડિકલ ઓફિસર, ૩૫૪ પેરા મેડિકલનો સ્ટાફ કાર્યરત છે. ત્યારે સવાલ એ છે કે તંત્ર આટલી મોટી કાર્યવાહી કરી રહી છે તો હજ્જારોની સખ્યાંમાં દર્દીઓ હોસ્પિટલમાં કેમ ઉભરાય રહ્યા છે.