જમૈકા,
વિશ્વ કપ-૨૦૧૯મા નિરાશાજનક પ્રદર્શન અને ત્યારબાદ ભારત વિરુદ્ધ ’વ્હાઇટવોશ’થી ક્રોધિત ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝએ મોટો નિર્ણય કર્યો છે. તેણે જેસન હોલ્ડરને વનડે અને કાર્લોસ બ્રેથવેટને ટી-૨૦ના સુકાની પદેથી હટાવી દીધા છે. હવે વનડે અને ટી૨૦ બંન્નેમાં કિરોન પોલાર્ડ આગેવાની કરશે.
ત્રિનિદાદ અને ટોબૈગો ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે સીડબ્લ્યૂઆઈના બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ શનિવારે આ નિર્ણય લીધો છે. પોલાર્ડના નામનો પ્રસ્તાવ પસંદગી સમિતિએ રાખ્યો હતો અને જ્યારે મતદાનનો સમય આવ્યો તો, છ ડાયરેક્ટરોએ તેનો સાથ આપ્યો, જ્યારે બાકી છએ મતદાન ન કર્યું.
૩૨ વર્ષીય પોલાર્ડે પોતાની છેલ્લી વનડે ૨૦૧૬મા રમી હતી. વિશ્વ કપ-૨૦૧૮મા તે વેસ્ટ ઈન્ડિઝના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતો. તેણે ભારત વિરુદ્ધ હાલમાં રમાયેલી ટી-૨૦ સિરીઝમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પોલાર્ડ હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સનું સુકાન સંભાળી રહ્યો છે.