Charotar Sandesh
ગુજરાત

આજે પધારશે વડાપ્રધાન ગુજરાત : કાલે નર્મદાના નીર વધાવશે…

આજે રાત્રે ૧૧ વાગ્યે મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે…
આવતીકાલે પોતાના જન્મદિને મોદી માતાના આશિર્વાદ લેશે ત્યારબાદ નર્મદા મૈયાના શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે, અંતમાં જનસભા સંબોધશે…

ગાંધીનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસ ગુજરાતમાં મનાવવાના છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બે દિવસીય (૧૬ અને ૧૭ સપ્ટેમ્બર) ગુજરાત પ્રવાસમાં આવી રહ્યાં છે. આ સાથે તેઓ જન્મ દિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’ની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે.
પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસમાં ૧૬ સપ્ટેમ્બરનાં રોજ રાતે ૧૦ વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં આવેલ રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.
બીજા દિવસે એટલે પોતાના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે માતા હીરાબાનાં વહેલી સવારે આશીર્વાદ લેવા જશે. ત્યારબાદ સવારે ૭.૪૫ કેવડિયા હેલિપેડ પર આગમન થયા બાદ ૮ વાગ્યે કેવડિયા પહોંચશે અને પીએમ મોદી સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાનાં વધામણાં કરશે. સવારે ૯.૩૦થી વિવિધ વિકાસના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ ૯.૩૦થી ૧૦ વાગ્યા સુધીમાં વિવિધ કાર્યક્રમો શરૂ થશે. ૧૧થી ૧૨ વાગ્યા સુધીમાં પબ્લિક મીટિંગ રાખવામાં આવી છે. બપોરે ૨ વાગ્યે ગાંધીનગર સચિવાલય ખાતે આવશે. પીએમ મોદી રાજભવન ખાતે આયોજિત વિશેષ બેઠકમાં હાજરી આપશે.
સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે. આ નિમિત્તે રાજ્યમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ સાધુ-સંતો, સમાજસેવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકોની ભાગીદારીમાં મહાનગરો, નગરો તેમજ જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ મહોત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરનાં રોજ નર્મદા ડેમનો હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે. બાદમાં નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.
પીએમનાં જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં ‘સેવા સપ્તાહ’ નીઉજવણી કરવા જઈ રહી છે. આ સેવા સપ્તાહ અંર્તગ ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ભાજપે સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમો યોજશે.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપની સરકાર આવ્યાંનાં માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજૂરી આપી. ત્યાર બાદ ૨૦૧૫માં ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી ૨૦૧૭માં મળી હતી. હાલ નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૮ મીટરને પાર થઇ છે.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૬ તાલુકામાં વરસાદ વરસ્યો, ડાંગમાં ૪ ઇંચ વરસાદ…

Charotar Sandesh

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનું ટિ્‌વટર એકાઉન્ટ લોક : જાણો વિગત

Charotar Sandesh

ખેડૂતોની મહેનત એળે નહીં જાય, નુકશાન ભરપાઇ કરશુ : વિજયભાઇ રૂપાણી

Charotar Sandesh