ઓનલાઇન ફુડ મંગાવનારા ગ્રાહકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ઝોમેટોમાંથી ખરાબ આવેલા 2 પીઝાની ફરિયાદ માટે ગ્રાહકે ફોન કર્યો હતો. ગ્રાહકને પીઝાનાં પૈસા પાછાં આપવાનાં બહાને તેની ડિટેઇલ મેળવી લઇ રુ. 60, 885ની છેતરપિંડી આચરવામાં આવી છે…!
અમદાવાદ : અમદાવાદનાં થલતેજમાં રહેતાં 27 વર્ષીય બિજનેશમેન ઋષય વરાંગભાઇ શાહે 4 ઓક્ટોબરનાં રોજ ઝોમેટોમાંથી 2 પીઝા ઓર્ડર કર્યા હતાં. તે પિઝા ખરાબ હોવાથી તેમણે ઝોમેટોની હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. જોકે ત્યાંથી કોઇ રિપ્લાય આવ્યો નહોતો. જોકે બાદમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનાએ કહ્યું હતું કે, હું ઝોમેટોમાંથી બોલું છું. તમે ઝોમેટોની હેલ્પલાઇન પર કેમ કોલ કર્યો હતો. બદલામાં ઋષયે જણાવ્યું હતું કે મને મળેલાં પીઝા ખરાબ હોઇ તેને બદલી આપો. જોકે ફોન પર રહેલાં વ્યક્તિએ કહ્યું હતું કે અમે ફુડ બદલી નથી આપતાં પણ પૈસા રિફંડ કરીએ છીએ. ઋષયને રિફંડની લાલચ આપી ડિટેઇલ મેળવી લીધી.
ઝોમેટોમાંથી બોલું છું કહી ગઠિયાએ ઋષયને રિફંડની લાલચ આપી કહ્યું તમને એક લીંક મોકલું છું. તેમાં તમારુ નામ, મોબાઇલ નંબર, કારણ તથા ગુગલ આઇડી લખી 3 વાર મોકલી આપો કહ્યું હતું. એ બાદ ઋષયે ગઠિયાએ મોકલેલી લિંક પર ડિટેઇલ મોકલતા રૂ. 5 હજાર ઉપડી ગયા હતાં. એ વાત ઋષયે ગઠિયાને કહી ત્યારે ગઠિયાએ એવું ન બને કરી ફોન કાપી નાંખ્યો હતો. 6 ઓક્ટોબરે ફરી ઋષયની પત્નીને ફોન આવ્યો હતો અને જેમાં તેમણે અમારાથી ભુલથી તમારા રુપિયા ડેબિટ થઇ ગયાં છે. જે પરત કરવાનાં છે કહી ફરી કહ્યું હું એક લિંક મોકલું છું. તેના પર ફરી 3 વાર ડિટેઇલ મોકલો. એ બાદ 6 વાર પૈસા ઉપાડી ગયા હતાં.
પીઝાના રિફંડની લાલચ આપી 60,885 ઉપાડી લીધાં…
ઝોમેટોમાંથી મંગાવેલાં ખરાબ પીઝાનાં પૈસા પાછાં આપવાનાં બહાને લિંક મોકલી પહેલાં 5 હજાર ઉપાડી લીધા. પછી તેને પાછાં ડેબિટ કરવાના બહાને 6 વાર ટ્રાન્જેક્શન કરી પૈસા ઉપાડી લીધા. એમ કુલ 7 વાર ટ્રાન્જેક્શન કરી કુલ રુ. 60,885 ઉપાડી લઇ ઠગાઇ કરી હતી.
કેવી રીતે ડેટા ચોરાય છે..?
ઘણી બધી કંપનીઓ આઉટ સોર્સિગ કરતી હોય છે. ઘણીવાર સર્વિસ સેન્ટરનાં માણસો જ ડેટા કોલ સેન્ટરોને વેચતાં હોય છે. ભુતકાળમાં પણ ડેટા વેચાયાનાં કૌભાંડો પકડાયાં છે. ત્યારે તમે કોઇ પણ જગ્યાએ આપેલો તમારો ડેટા સુરક્ષીત નથી. ડેટાનો ભાવ 50 પૈસાથી લઇને 5 રુપિયાં સુધીનો હોય છે. સાઇબર ક્રાઇમે ભુતકાળમાં અનેક આવા કૌભાંડોનો પર્દાફાશ થયો છે. વસ્ત્રાપુર પોલીસે આ કેસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે