પૂર્વ સીએમએ ગેહલોતના સમર્થનમાં નિવેદન આપ્યુંઃ રાજ્યમાં દર કિમીએ પોટલીઓ વેચાઇ છે…
ગાંધીનગર : દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ મૂંહતોડ જવાબ આપ્યા બાદ આજે શંકરસિંહ વાઘેલાનું દારૂબંધી પર નિવેદન સામે આવી રહ્યું છે. દારૂબંધી અંગે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાતમાં દારૂબંધીને લઈને ચાલતી ઘમાસાનમાં પૂર્વ સી.એમ શંકરસિંહ વાઘેલાએ ઝંપલાવ્યું. આજે ભાવનગરમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું.. શંકરસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ૭૦ ટકા લોકો નોનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે. તો ગુજરાતમાં દારૂબંધી શેની?
આજે ભાવનગરમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ દશેરા નિમિતે ગુજરાતની જનતાને એક સંદેશો પાઠવ્યો હતો. શંકરસિંહે સંદેશો પાઠવતા જણાવ્યું કે, ગુજરાતમાં અનેક રાવણોનો નાશ કરવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી વિશે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાત માં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે.
આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ દારૂબંધીનાં સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે તે જણાવે.