ડેન્યુની ચિંતાજનક સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું, ટીમ દ્વારા સર્વે શરૂ…
ગાંધીનગર : જામનગરમાં ડેન્ગ્યુના ડંખે હાહાકાર મચાવ્યો છે ત્યારે ચાલુ સિઝનમાં ૧૨ જેટલા લોકોના ડેંગ્યુથી મોત થયા છે અને દરરોજ પચાસથી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે જામનગરમાં ડેન્ગ્યુના હાહાકારને લઇને તંત્ર સફાળુ જાગ્યું છે. શહેરીન જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુ માટે ખાસ નવા ચાર વોર્ડ ઉભા કરાયા છે. ફ્લોર પર સારવાર લઇ રહેલા દર્દીઓ માટે તાબડતોબ નવા બેડની વ્યવસ્થા કરાઈ છે. હોસ્પિટલમાં હાલ નવા વિભાગમાં ૧૦૭ બેડની વ્યવસ્થા કરાઇ છે.
જોકે, જામનગરમાં ડેન્ગ્યુને નાથવામાં તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જામનગરની સરકારી અને ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો બીજી તરફ, ડેન્ગ્યુના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ પર ખૂટી પડ્યા છે. તો બીજી તરફ, ડેન્ગ્યુને નાથવા તંત્ર હવે આકરા પાણીએ પહોંચ્યું છે. અંજારીયા ચેમ્બરમાં ડેન્ગ્યુના બ્રીડિંગ મળી આવ્યા છે. ત્યારે મનપાના કમિશનર દ્વારા અંજારીયા ચેમ્બર સીલ કરાઈ છે.
સુરત : સુરત શહેરમાં ડેન્ગ્યુના કેસો દિન-પ્રતિદિન વધતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરતના રાંદેર અડાજણ અને પાલ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૧૧૭ જેટલા મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેને કારણે આરોગ્ય વિભાગ દ્વારા એક નવો નિયમ અમલમાં મૂક્યો હતો. તમામ ઝોનના અધિકારીઓ દ્વારા જે તે વિસ્તારના ઘરો, નવી બિલ્ડીંગ્સમાં તપાસ હાથ ધરવામાં આવશે. જ્યાં પણ બ્રીડિંગ જોવા મળશે ત્યાં રૂપિયા ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવા આવશે. આ સાથે પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આવે તે માટે પૂરેપૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે, જે આરોગ્ય વિભાગની ટીમો બનાવવામાં આવી છે તેમાં કર્મચારીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત એક જ સપ્તાહમાં આ કામગીરી પૂર્ણ થાય તે માટે તજવીજ હાથ ધરી છે.
કચ્છ : કચ્છમાં પણ ડેન્ગ્યુના કહેર જારી છે. ભૂજમાં ખુદ સિવિલ સર્જન ડેન્ગ્યુમાં સપડાયા છે. ત્રણ દિવસ તાવ આવ્યા બાદ તેમના રિપોર્ટમાં ડેન્ગ્યુ મળ્યો છે. તો બીજી તરફ, અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ડેન્ગ્યુના ભરડામાં છે. આશરે ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સરકારી તંત્ર દ્વારા ૪૫ પોઝીટીવ કેસને સમર્થન અપાયું છે. અંજારની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં રોજ ૨૦-૨૫ પોઝિટીવ કેસ નોંધાતા હોવાનું અનુમાન છે.
રાજકોટ : રાજકોટ શહેરમા દિવસે અને દિવસે ડેંગ્યુ સહિતના રોગોના કેસમા વધારો થઈ રહ્યો છે. રાજકોટના સિવિલ સર્જન મનીષ મહેતાએ જણાવ્યું કે, આ વર્ષે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ૧૦ મહિનામાં ડેન્ગ્યુના ૬૬૫ જેટલા કેસ નોંધાયા છે. તો સપ્ટેમ્બર માસમાં જ ૩૫૦ જેટલા કેસ નોંધાયા છે. રાજકોટમાં ગત વર્ષ કરતા ૪ ટકા રોગચાળો વધ્યો છે. જેમાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૭૦૬૦૦ કેસ, ઝાડાના ૩૭૦૦૦ કેસ, કમળાના ૨૫ કેસ, ટાઈફોઈડ તાવના ૨૫૦ કેસ નોંધાયા છે.
અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છજન્ય રોગચાળો હજી પણ કાબુમાં આવ્યો નથી. એમએસીના ચોપડે ઓક્ટોબરના ૧૨ દિવસમાં જ સેંકડો કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુના ૩૫૯ કેસ, મેલેરિયાના ૧૭૪, કમળાના ૧૩૧ કેસ, ટાઇફોઈડના ૨૩૧ કેસ નોંધાયા છે.