અમદાવાદ : ભાજપના ગુજરાત પ્રદેશના પ્રવક્તા ભરત પંડ્યાની ઈન્ડિયન ફેડરેશન ઓફ યૂનાઈટેડ નેશન્સ ગુજરાતના અધ્યક્ષ પદ નિયુક્તિ કરવામાં આવી છે. તો ઉપાધ્યક્ષ પદ પર રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીની પસંદગી કરવામાં આવી છે. યુએનએજીનો બુધવારે જ પ્રારંભ કરવામાં આવ્યો છે.
યુનાઇટેડ નેશન્સ ડે ની ઉજવણીના ભાગરૂપે બુધવારે એસ.જી. હાઇવે ઉપર ખાનગી ક્લબ ખાતે આઇએફયુએનએ દ્વારા યુનાઇટેડ નેશન્સ ડે ૨૦૧૯ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતમાં યુએનએ ચેપ્ટરનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેશ વર્મા, આઇફ્યુના મીડિયા સલાહકાર દીપક પરબતિયા તથા યુએનએ, મહારાષ્ટ્રના પ્રતિનિધિ અશરફ શેખ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યુએનએ ગુજરાતના પ્રમુખ ભરત પંડ્યાએ યુએનની કામગીરીને મહાત્મા ગાંધી તથા લોખંડી પુરુષ સરદાર પટેલના વિચારો તથા કામગીરી સાથે જોડીને જણાવ્યું હતું કે, જેવી રીતે સરદાર પટેલે રજવાડા એક કરવાનું કામ કર્યું હતું. તેવી રીતે થોડા સમય પહેલાં કાશ્મીરને ભારત સાથે જોડવાનું કામ બે ગુજરાતીઓ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કર્યું છે. કાશ્મીર મુદ્દે યુએનએ તટસ્થ રહી ભારતને મદદ કરી છે, આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં પીએમ મોદીને સમર્થન આપ્યું છે.