Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

CAAના વિરોધમાં અમદાવાદમાં તંગદિલીભર્યું વાતાવરણઃ શાહઆલમમાં સ્થિતિ વણસી…

અમદાવાદના ઢાલગરવાડ, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણપણે બંધ, લાલદરવાજામાં લાઠીચાર્જ…

પ્રદર્શનકારીઓએ એએમટીએસ બસના કાચ તોડ્યા, પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો :ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો, ૧૫થી વધુ લોકોની અટકાયત…

અમદાવાદ : સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ૩ મુફતી, ૪ મૌલાના સહિત ૧૫ મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદમાં અસર જોવા મળી રહી છે. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તેમજ મિરઝાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. જેને પગલે પોલીસે મિરઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મિરઝાપુરથી શાહપુર રંગીલા ચોકી, શાહપુર સ્કૂલ, ટોરેન્ટ પાવર, ગ્રામ્ય કોર્ટથી મિરઝાપુર સુધી ડીસીપીએ ૧૦૦ પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે લાલ દરવાજા પાસે એએમટીએસ બસના કાચ તોડ્યા હતા.

પોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડ મચી ગઈ હતી. તેમજ પોલીસે ૧૫થી વધુ લોકોની અટકાયત કરી છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં અગમચેતીના પગલાંરૂપે સેકટર ૧ જેસીપી અમિત વિશ્વકર્મા, ઝોન ૨ ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને ટ્રાફિક ડીસીપી અજિત રાજ્યાણ પહોંચ્યા હતા. તેમજ લકી હોટલ પાસે પોલીસે પેટ્રોલિંગ સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે રાજકોટ, વડોદરા, સુરતમાં બંધની નહીવત અસર છે. બીજી તરફ ગોધરા સજજડ બંધ છે. તેમજ પાલનપુરમાં દેખાવો થયા છે.

આ ઉપરાંત ભયનો માહોલ સર્જાતા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રીલિફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરીને વેપારીઓ નાસી છૂટ્યા હતા. તેમજ સરદાર બાગ પાસે પ્રદર્શનકારીઓએ વાહનો રોકતા ટ્રાફિક જામ થયો હતો. જેને પગલે પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો.

બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં બંધની અસર જોવા મળી છે. હિંમતનગરના સવગઢ, પાણપુરપાટિયા, મલીવાડ, ઝહીરાબાદ જેવા વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે. તેમજ બજાર બંધ કરાવવા નીકળેલા લોકોની ગ્રામ્ય પોલીસ અટકાયત કરી હતી. જ્યારે અમદાવાદની વાત કરીએ તો વહેલી સવારથી શહેરના લાલદરવાજા, ઢાલગરવાડનું કાપડ બજાર, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણપણે બંધ પાળવામાં આવ્યો છે. તેમજ સીએએ-એનઆરસી કાળા કાયદાના વિરોધમાં ૧૯-૧૨-૨૦૧૯ના રોજ ઢાલગરવાડ કાપડ બજાર બંધ રહેશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની સી.યુ.શાહ કોલેજમાંથી અટકાયત કરવા આવી હતી.તેમજ જમાલપુર ચકલામાં લોકો વિરોધ કરવા બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. જેને પગલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ સહિત ક્યાંય પણ બંધની અસર જોવા મળી રહી નથી. જૂનાગઢ, જામનગર, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ સહિતના જિલ્લામાં સવારથી જ માર્કેટ ખુલ્લી જોવા મળી રહી છે. રાજકોટમાં સંવેદનશીલ વિસ્તારો જેવા કે જંગલેશ્વર, ભીસ્તિવાડ, નહેરૂનગરમાં એક-બે પોલીસ મુકવામાં આવી છે. પરંતુ ભારત બંધની કોઇ અસર જોવા મળી રહી નથી. રાજકોટમાં પણ સવારથી બજારો ખુલ્લી જોવા મળી રહી છે.

વડોદરા પોલીસનો લોખંડી બંદોબસ્ત… મુસ્લિમ વિસ્તારોમાં બંધ…

નાગરીકતા સુધારા કાયદાના વિરોધમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમોએ બંધનું એલાન આપ્યું હોવાના ફરતા થયેલા મેસેજને પગલે વડોદરામાં બંધની અસર દેખાઇ હતી. સોશિયલ મીડિયા પર બંધના મેસેજ ફરતા થયા હોવાથી પોલીસે કેટલાક શકમંદોની પૂછપરછ કરી હતી પરંતુ તેમણે આ મેસેજ વિશે કાંઈ જાણતા નહીં હોવાનું કહ્યું હતું. બીજી તરફ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવી સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સુરતમાં બંધની નહીવત અસર…

જ્યારે સુરતમાં એક પણ જગ્યાએ દેખાવો કે પ્રદર્શન થયાં નથી. શહેરમાં રાબેતા મૂજબ લોકોએ પોતાના ધંધા રોજગાર યથાવત રાખ્યાં છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે તેમ છતાં પોલીસ દ્વારા તમામ હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Related posts

૬ વર્ષ પછી ઓગસ્ટ મહિનામાં જ રાજ્યમાં સિઝનનો વરસાદ ૧૦૦% પાર…

Charotar Sandesh

વિજયભાઈને ઉજવણી સાથે માન સન્માનથી વિદાય કરવાનો પ્રસંગ છે : અમિત ચાવડા

Charotar Sandesh

ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ના મોત

Charotar Sandesh