મોદી સરકારના નાગરિકતા કાયદાને ટેકો આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું…
૨૦૧૯માં ૪૧૭ સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસો નોંધાયા, ધારાસભ્યોને રાજ્યપાલની સલાહઃ પ્રજા હિતમાં જનપ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપો…
ગાંધીનગર : કેન્દ્રના વિવાદી નાગરિક કાયદાને અનુમોદન આપવાનો રાજકિય પ્રસ્તાવ રાજ્યકક્ષાના ગૃમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો. જેના પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે તીખી ચડભડ થઇ હતી. કોંગ્રેસે તેનો વિરોધ કરતાં આ પ્રસ્તાવ બહુમતિથી પસાર કરીને વિધાનસભાએ તેને ટેકો આપ્યો હતો. સીએએના સમર્થનમાં બિલ પાસ કરનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વિધાનસભાના ગૃહમાં કરેલા સંબોધનમાં ગુજરાતને ગાંધી-સરદારનું શક્તિશાળી, સમૃધ્ધ અને સુરક્ષિત ગણાવીને જનપ્રતિનિધિ એવા ધારાસભ્યોને સલાહ આપી હતી કે એકએક ગુજરાતી વિશ્વમાં ગુજરાતી હોવાનું ગૌરવ લઇ શકે અને ગુજરાત વિશે સ્વાભિમાન ધરાવી શકે તેવા ગુજરાતનું જતન કરવાની જવાબદારી જનતાએ આપ સૌને સોંપી છે. જાહેર જીવનના અનુભવો અને પ્રજા જીવનની અપેક્ષાઓ નજર સમક્ષ રાખી આ સભાગૃહમાં જનપ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપવાની જવાબદારી નિભાવશો. રાજ્યપાલના સંબોધનમાં ઉલ્લેખ કરાયો હતો કે ૨૦૧૯ના વર્ષમાં એન્ટી કરપ્શન બ્યૂરો(એસીબી)એ ૨૫૫ કેસો નોંધી કુલ ૪૧૭ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરીને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
દરમ્યાન, રાજ્યપાલના સંબોધનના વિરામ બાદ મળેલા ગૃહમાં કેન્દ્ર સરકારના બે નિર્મયોને અનુમોદન આપતા પ્રસ્તાવો રજૂ થયા હતા. જેમાં દલિતો અને આદિવાસીઓને વધુ ૧૦ વર્ષ એટલે કે ૨૦૨૦થી ૨૦૩૦ સુધી રાજકિય અનામતનો લાભ ચાલુ રહે તે અંગેનો વૈધાનિક પ્રસ્તાવ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજૂ કર્યો હતો. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ચર્ચામાં ભાગ લઇને તેને ટેકો આપતાં અનામતનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો હતો.
રાજ્યપાલના સંબોધનના મુખ્ય અંશો આ મુજબ છે…
રોજગાર : આ વર્ષે ડિસે.૨૦૧૯નાા અંત સુધીમાં રોજગાર કચેરીઓ દ્વારા કુલ ૨,૭૪,૭૮૮ ઉમેદવારોને રોજગારી પૂરી પાડી છે.
નાણાંકિય : વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૬૭,૪૦૪.૦૯ કરોડનની આવક સરકારને થઇ છે. જે ગયા વર્ષની સરખામણીએ ૧૨.૮૫ ટકાનો ગ્રોથ દર્શાવે છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી : ડિસે. ૨૦૧૯ સુધીમાં સરકારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં નિહાળવા માટે કુલ ૩૫,૩૯,૪૩૦ પ્રવાસીઓએ મુલાકા લીધી હતી.
પ્રવાસ : ગુજરાતની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા વધીને ૨૦૧૮-૧૯માં ૫ કરોડ ૭૫ લાખને વટાવી ગઇ છે. જે અગાઉના વર્ષ કરતાં ૧૪ ટકાનો વધારો સુચવે છે. એક રીતે જોતામ ગુજરાતની વસ્તી કરતાં ઓછી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા.
ઉદ્યોગ : રાજ્યમાં ૨૦૧૮-૧૯ની તુલનાએ બમણું એટલે કે ૨૪,૦૧૨ કરોડનું સીધુ વિદેશી મૂડીરોકાણ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ માસમાં થયું છે.
બંદરો : ભાવનગર ખાતે વિશ્વનું સૌ પ્રથમ એવું સીએનજી ટર્મિનલ ૧૯૦૦ કરોડના ખર્ચે આકાર લેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામિણ) – આ યોજના હેઠળ અત્યારસુધીમાં કુલ ૨,૮૧,૮૦૦ આવાસો મંજૂર કરવામાં આવ્યાં છે.
કૃષિ : પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના હેઠળ ગુજરાતમાં ખેડૂતોને ૬ જાન્યુ. ૨૦૨૦ સુધીમાં ચાર હપ્તાના કુલ ૨,૮,૩૯.૩૪ કરોડનું ચુકવણું લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યું છે.
જો કે રાજ્યપાલ વિધાનસભામાં કોંગ્રેસે તેમના સંબોધન વખતે હોબાળો મચાવતાં તેઓ પોતાનું સંબોધન પુરૂ કરી શક્યા નહોતા.