Charotar Sandesh
ઈન્ડિયા

ગોડસે વિવાદ : ભાજપે પ્રજ્ઞા ઠાકૂરને સંરક્ષણ સમિતિમાંથી હાંકી કાઢી…

ભાજપના કાર્યકારી અધયક્ષ નડ્ડાની જાહેરાત : પક્ષ સાધ્વીના ગોડસે તરફી વિચારો સાથે સહમત નથી…

ન્યુ દિલ્હી : ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસેને, લોકશાહીના ધબકાર સમાન સંસદની અંદર દેશભક્ત ગણાવનાર ભાજપના વિવાદી સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકૂરથી નારાજ થઇને ભાજપે તેમની સામે કડક પગલા ભર્યા છે. ભાજપે પ્રજ્ઞાને સંસદની સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી દૂર કર્યા છે અને ભાજપ સંસદિય પક્ષની બેઠકમાં ભાગ લે પણ પ્રતિબંધ મૂકીને દેશને એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે પક્ષ સાધ્વી પ્રજ્ઞાના ગોડસે અંગેના વિચારો સાથે સહમત નથી. પ્રજ્ઞાના વિવાદી નિવેદનના પગલે લોકસભામાં કોંગ્રેસ અને અન્ય વિરોધપક્ષોએ ભાજપ સામે ભારે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રજ્ઞા સામે લેવાયેલા પગલાની માહિતી આપતાં કહ્યું કે, ’બુધવારે લોકસભામાં તેમનું નિવેદન નિંદાકારક છે. ભાજપ આવા નિવેદનો અથવા વિચારધારાને સમર્થન આપતું નથી. અમે નિર્ણય લીધો છે કે સાંસદ પ્રજ્ઞાને સંરક્ષણ સલાહકાર સમિતિમાંથી દૂર કરવામાં આવશે અને તેઓ આ સત્ર દરમિયાન પક્ષની સંસદીય દળની બેઠકમાં ભાગ પણ લઈ શકશે નહીં.
હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં એક ચર્ચા દરમ્યાન ગોડસેના નામનો ઉલ્લેખ થયો ત્યારે પ્રજ્ઞાએ તરત જ તેમને દેશભક્ત ગણાવીને તેમના નામનો ઉલ્લેખ નકારાત્મક રીતે કોઇએ કરવો ન જોઇએ એમ કહીને ગાંધીજીના હત્યારાને ફરીથી દેશભક્ત ગણાવતાં ભારે હોબાળો થયો હતો.કોંગ્રેસે તેમના નિવેદનનો સખત વિરોધ કર્યો હતો. તેમના નિવેદન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પ્રતિક્રિયા આપી હતી કે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ વિશે વિચાર કરવો જોઇએ અને દેશના હિતમાં નિર્ણય લેવો જોઈએ.
રાહુલ ગાંધીએ ગુરુવારે પત્રકારોને આ અંગે કહ્યું કે પ્રજ્ઞાસિંહ જે બોલી રહ્યાં છે તે ભાજપ અને આરએસએસના મગજમાં છે. તે સિવાય તો હું શું કહી શકું? ભાજપ દ્વારા તે છુપાવી શકાતું નથી. આ મહિલા સામે કાર્યવાહી કરવાની માંગ કરીને મારે મારો સમય બગાડવાની જરૂર નથી. તેની સાથે રાહુલે ટ્‌વીટ કરીને સાધ્વી પ્રજ્ઞાને અને ગોડસેને આતંકવાદી ગણાવીને કહ્યું કે આતંકી પ્રજ્ઞા આતંકી ગોડસેને દેશભક્ત ગણાવે છે. ભારતના સંસદિય ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે.
આ સાથે જ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પ્રજ્ઞાના નિવેદન પર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે ગોડસે વિશે તેમના મંતવ્ય શું છે તે ભાજપ દિલથી જણાવે છે. તેમણે ટિ્‌વટર પર લખ્યું, ’આજે દેશની સંસદમાં ઉભા રહીને ભાજપના એક સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યા. હવે વડા પ્રધાન (જેમણે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવી) ને હૃદયથી વિનંતી છે કે ગોડસે વિશે તેમના વિચારો શું છે તે જણાવો..? મહાત્મા ગાંધી અમર છે. ’
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કહ્યું કે સાધ્વી ઠાકુર હંમેશા ગોડસેની તરફેણમાં બોલે છે. ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની પાર્ટી ગાંધીજીની સાથે છે કે ગોડસેની સાથે છે. મુખમાં ગાંધીજીઅને હૃદયમાં ગોડસે નહીં ચાલે.
વિપક્ષી સભ્યોએ આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકારને નિશાન બનાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન આવી વિચારસરણીના સમર્થનવાળાની સામે પગલા લેવામાં નિષ્ફળ જ જાય છે. નડ્ડાની સાથે ઉપસ્થિત સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આ મુદ્દે અમારો મત સ્પષ્ટ છે અને અમે તેમના નિવેદનની નિંદા કરીએ છીએ અને આવી વિચારધારાને સમર્થન આપતા નથી.

Related posts

કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

નરેન્દ્ર મોદી ફરી PM બનશે કે નહીં, તે અંગે બાબા રામદેવે કરી આવી આગાહી

Charotar Sandesh

ત્રીજી લહેર નબળી પડી : દેશમાં કોરોના પોઝીટીવની સામે સ્વસ્થ થયાની સંખ્યા વધી, જાણો

Charotar Sandesh