ન્યુ દિલ્હી : ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ પહેલા રવિવારે આખું કોલકાતા શહેર ગુલાબી રંગમાં જોવા મળ્યું હતું. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મેચના આધિકારિક શુભંકર પિંકુ-ટિંકુનું અનાવરણ કર્યું હતું. ગાંગુલીએ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં પિંકુ-ટિંકુ અને મેચ ટિકિટ સાથે ફોટો પણ પડાવ્યો હતો. ભારત-બાંગ્લાદેશની મેચ દરમિયાન આકાશમાં એક ગુલાબી ફુગ્ગો દેખાશે, તેનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
શહેરના મહત્ત્વપૂર્ણ સ્મારક જેમ કે શહીદ મંદિર, સૌથી ઊંચી બિલ્ડીંગ ’૪૨’ અને કોલકાતા મહાનગર પાલિકાના ઘણા પાર્ક ગુલાબી રોશનીથી સજાવવામાં આવ્યા હતા. હુગલી ચાલતી એક બોટમાં પણ ગુલાબી રોશની કરવામાં આવી હતી. આ બોટ મેચ દરમિયાન ૨૨ નવેમ્બરથી દર સાંજે હાવડા બ્રિજથી વિદ્યાસાગર સેતુ સુધી ચક્કર લગાવશે. ટાટા સ્ટીલની બિલ્ડીંગ ૨૦ નવેમ્બરથી ૩ઙ્ઘ મેપિંગમાં દેખાશે, તો મિજર્સ ક્લબ પણ રાત્રે ગુલાબી રંગમાં દેખાઈ રહ્યું છે. શહેરની અન્ય જગ્યાઓ પર પણ આ રીતે તૈયારી ચાલી રહી છે.
બંગાળ ક્રિકેટ એસોસિયેશને કહ્યું કે, સોમવારે શહેરમાં લગભગ એક ડઝન મોટા પોસ્ટર અને ૬ એલઇડી બોર્ડ નજર આવશે. લોકોમાં આ મેચ પ્રત્યે રસ લાવવા આ પ્રકારે બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. બંગાળ ક્રિકેટે એક એજેન્સી સાથે કરાર કર્યો છે જે ઈડન ગાર્ડનની અંદરની દીવારો પર ક્રિકેટ અને ક્રિકેટરોની ઇનસાઇડ સ્ટોરીની તસ્વીર બનાવવામાં આવી રહી છે.