ન્યુ દિલ્હી,
દિલ્હી હાઈકોર્ટે મેડિક્લેમને લઈને એક મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, દર્દીની પાસે જો મેડિક્લેમ હોય તો તેણે કોઈપણ સરકાર માન્ય હોસ્પિટલમાં સારવાર લીધી હોય, તેનો ક્લેમ ઈન્શ્યોરન્સ કંપનીએ પાસ કરવો જ જોઈએ. આવી દરેક હોસ્પિટલોમાં કેસલેસ ફેસિલિટી પણ શરૂ કરવી જોઈએ એવું પણ હાઈકોર્ટે પોતાના આદેશમાં નિર્દેશ આપ્યો છે.
-
કોઈપણ હોસ્ટિપલમાં સારવાર લીધી હોય, વીમા કંપની ક્લેમ નકારી ન શકે
હાઈકોર્ટના આ આદેશથી એ વ્યવસ્થા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે કે, જેમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સનો એવો આગ્રહ રહેતો હતો કે ક્લેમ મેળવવા માટે દર્દીએ તેમની કંપનીમાં નોંધાયેલી હોસ્પિટલમાં જ સારવાર લેવી જોઈએ. કઈ હોસ્પિટલોમાં કેસલેસ ફેસિલિટી મળશે અને કઈમાં નહીં મળે તે પણ ઈન્શ્યોરન્સ કંપની અને TPAs નક્કી કરે છે.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે દર્દી પાસે માન્ય મેડિકલ ઈન્શ્યોરન્સ હોય અને તેમાં કેસલેસ ફેસિલિટીની સુવિધા આપવામાં આવતી હોય અને જાહેર ક્ષેત્રની ઈન્શ્યોરન્સ કંપનીના ગ્રુપ જનરલ ઈન્શ્યોરન્સ પબ્લિક સેક્ટર એસોસિએશન (GIPSA)ની માન્યતા પ્રાપ્ત પોલિસી હોય તો દર્દીને ઈન્શ્યોરન્સ કંપનીમાં રજિસ્ટર હોય તે જ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ ન પાડી શકાય.
જોકે, કોર્ટનો આદેશ આંખની સારવાર કરાવવા ઈચ્છતા દર્દીઓ પૂરતો સિમિત છે,પણ કોર્ટે GIPSAની ગાઈડલાઈન અને ‘નેટવર્ક હોસ્પિટલ’ની સિસ્ટમ કે જમાં સરકાર માન્ય હોસ્પિટલોનો સમાવેશ નથી કરાતો, જેવી બાબતોમાં ખામી હોવાનું નોંધ્યું છે, ત્યારે આ આદેશ તે અન્ય રોગોની સારવારો માટે પણ કદાચ લાગુ પડી શકે છે.