દુબઇ,
દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની (રાણી) હયા કરોડો રૂપિયા અને બે બાળકોને લઈ સંયુક્ત અરબ અમિરાત (UAE)થી લાપતા થઈ ગઈ છે. એવું જાણવામાં આવી રહ્યું છે કે, તે ઘર છોડવાની સાથે પોતાની સાથે લગભગ ૩૧ મિલિયન પાઉન્ડ (૨૭૧ કરોડ રૂપિયા) લઈ ગઈ છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર યુએઈના વડા પ્રધાન તેમજ ઉપાધ્યક્ષ (શાહ) શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી બેગમ અને શેખના સંબંધોમાં છેલ્લા ઘણા દિવસોથી કડવાશ ચાલી રહી હતી. જાણકારી મુજબ રાણી હયા લંડનમાં છુપાઈ હોવાની આશંકા છે.
જોર્ડનના કિંગ અબ્દુલ્લાહની સોતેલી બહેન હયા હવે છૂટાછેડા લેવા માગે છે. જાણકારી પ્રમાણે, દુબઈથી નીકળીને હયા જર્મનીમાં રહેવા માગે છે. તેણે જર્મનીની સરકાર પાસેથી પોતાના બાળકો ઝાલિયા (૧૧ વર્ષ) અને ઝાયદ (૭ વર્ષ) સાથે રહેવા માટે રાજનીતિક શરળાગતિ માગી છે. કેટલાય રિપોટ્ર્સમાં દાવો કરાયો છે કે, નવી જિંદગી શરૂ કરવા માટે પ્રિન્સેસ હયા પોતાની સાથે કરોડો રૂપિયા લઈને ગઈ છે. જેના કારણે પૈસાને લઈ તેને સંઘર્ષ કરવો નહીં પડે.
અરબ મીડિયામાં ચાલી રહેલી ખબરો અનુસાર પ્રિન્સેસ હયાને દુબઈથી નીકળવા માટે જર્મનીના રાજદૂતોએ મદદ કરી છે. કેમ કે, આટલી મોટી માત્રામાં પૈસા લઈને દુબઈથી નીકળવું અને તે પણ બે-બે બાળકો સાથે સહેલું નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિન્સેસના જર્મનીના રાજદૂતો સાથે પહેલેથી સંબંધો સારા છે. તેવામાં દેશમાંથી નીકળવા માટે હયાએ જર્મનીના એમ્બેસીની મદદ લીધી હોય શકે છે.