Charotar Sandesh
ઈન્ડિયા

ન રાષ્ટ્રવાદ, ન હિન્દુત્વ : ઝારખંડમાં ભાજપનો સફાયો…

૮૧ બેઠકોમાંથી ભાજપ-૨૮, કોંગ્રેસ ગઠબંધન-૪૩ પર વિજય તરફ, સોરેન બનશે મુખ્યમંત્રી…

મોદી-શાહ સહિતના નેતાઓએ ઝારખંડ ઘમરોળ્યું છતાં ફરી સત્તાથી દૂર,હિન્દુત્વ-રાષ્ટ્રવાદના મુદ્દાઓ પણ મતદારોને આકર્ષિ ન શક્યા,દેશમાં ઘટતો જનાધાર ભાજપ માટે ચિંતન સમાન…

રાંચી : ૮૧ બેઠકો ધરાવનાર ઝારખંડ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો એક્ઝીટ પોલની જેમ જ આવ્યાં છે. આજે સવારથી જ મતગણતરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉતાર-ચઢાવ બાદ બપોર બાદ જેએમએમ- કોંગ્રેસ અને આરજેડીના બનેલા ગઠબંધને ભાજપને પછાડીને નવી સરકાર બનાવવા તરફ પ્રયાણ શરૂ કર્યું હતું. સંભવિત નવા સીએમ અને જેએમએમના નેતા હેમંત સોરેને પોતાની જીત પ્રજાને સમર્પિત કરી હતી. તે સાથે જ ભાજપ વધુ એક રાજ્ય ગુમાવ્યું છે. ભાજપને ૮૧માંથી ૨૮ બેઠકો અને ગઠબંધનને ૪૩ કરતાં વધારે બેઠકો મળે તેમ હાલમાં મતગણતરીના વલણો દર્શાવે છે. જ્યારે આજસૂને ત્રણ,જેવીએમ-૩ અને અન્ય ૪ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. સરકાર રચવા બહુમતિ માટે ૪૧ બેઠકો અનિવાર્ય છે. તે સાથે જ દેશમા હવે ભાજપની સરકારો માત્ર ૧૬ રાજ્યો સુધી જ સિમિત રહી ગઇ છે. ૧૬ રાજ્યોમાં દેશની ૪૨ ટકા વસ્તીનો સમાવેશ થાય છે. બે વર્ષ અગાઉ ૨૦૧૭માં ભારતમાં ૨૧ રાજ્યોમાં ભાજપની સત્તા હતી.જો કે ભાજપના નેતા અને ઝારખંડના સીએમ રધુબરદાસે દાવો કર્યો કે ભાજપ હાર્યું નથી. અમે ફરીથી સરકાર બનાવીશું. જો કે સાંજે ચિત્ર સ્પષ્ટ થતા ભાજપે પોતાની હાર સ્વિકારી લીધી હતી. જો કે સાજે ૮૧ બેઠકોમાંથી પહેલું પરિણામ તોરપા બેઠકનું જાહેર થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર કોચે મુંડાએ જેએમએમના સુદીપ ગુરિયાને પરાજ્ય આપ્યો હતો. દરમ્યાનમાં સાજે સોરેને પત્રકાર પરિષદ યોજીને જનાદેશ માટે મતદારોનો આભાર પણ માન્યો હતો.અને સાથી પક્ષ કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો. ચાલુ પત્રકાર પરિષદ વખતે જેએમએમના કાર્યકરોએ ભારે આતશબાજી કરીને જીતની ઉજવણી કરી હતી. અને સોરેનને પોતાનું સંબોધન પણ અટકાવવું પડ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપના નેતાઓએ હિન્દુત્વ,રામ મંદિર અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ પર પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા પરંતુ તેની કોઇ અસર થઇ હોય તેમ નથી લાગતુ. બીજી તરફ સોરેન અને સાથી પક્ષોએ ઝારખંડના સ્થાનિક મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ.

ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકો પરના આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. જેમાં શરૂઆતમાં ભાજપ અને તેના સાથી પક્ષો આગળ નિકળતાં ભાજપ સરકાર બનાવે તેવું ચિત્ર ઉપસ્યું હતું. જો કે જેમ જેમ મત ગણતરી આગળ વધતી ગઇ તેમ તેમ ભાજપ પાછળ અને ઝારખંડ મુક્તિ મોરચો(જેએમએમ) , કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનની તરફેણમાં મતદારોનો ઝોક સ્પષ્ટ થતાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીને આંચકો મળ્યો હતો. જો કે સાંજ સુધીનાં વલણના આધારે રાજકિય ચિત્ર બન્યું કે ભાજપ આજસુ સહિત અન્ય પક્ષો સાતે સરકાર બનાવી શકે ટલી બેઠકો મેળવવાથી દૂર છે અને જેએમએમ સહિતના પક્ષોએ ૪૪ બેઠકોમાં ઝોક સાથે બહુમતીનો ૪૧નો આંકડો પાર કરી ગયા હતા. છે. નવા મુખ્યમંત્રી તરીકે જેએમએમના હેંમત સોરેનનું નામ નક્કી મનાય છે. તેઓ આ અગાઉ પણ ઝારખંડના સીએમ રહી ચૂક્યા છે.
સવારે ૧૧ વાગ્યા સુધીના વલણ મુજબ, જેએમએમ-કોંગ્રેસ જોડાણ બહુમતીના આંકડા સાથે ૪૩ બેઠકો ધરાવતા હતા. જ્યારે ભાજપ ૨૭ બેઠકો પર આગળ હતું. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની ગણતરીના પ્રારંભિક વલણો મુજબ, મુખ્ય પ્રધાન રઘુવરદાસ હવે જમશેદપુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી આગળ વધી રહ્યા છે પરંતુ જેએમએમના કાર્યકારી પ્રમુખ અને ચૂંટણીના નેતા હેમંત સોરેન બારોટ અને દુમકા વિધાનસભા બેઠકો પર ભાજપથી આગળ છે.
નોંધનીય છે કે, ૩૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તમામ બેઠકો માટેના ઇવીએમમાં બંધ મતોની આજે સવારે ૮ વાગ્યાથી ગણતરી કરવામાં આવી હતી. ઝારખંડ વિધાનસભા ચૂંટણી ૨૦૧૯ માટે મતગણતરી ૨૪ જિલ્લા મુખ્યાલયમાં સવારે ૮ વાગ્યે શરૂ થઈ હતી. મતગણતરીનો મહત્તમ રાઉન્ડ છત્રના ૨૮ રાઉન્ડ અને ઓછામાં ઓછા બે રાઉન્ડ ચંદનકિયારી અને તોરપા બેઠકો પર હતા.

એક્ઝિટ પોલ્સના આંકડા કહી રહ્યાં હતા કે રાજ્યમાં હાલની ભાજપ સરકારને આ ચૂંટણીમાં ભારે ફટકો પડશે અને કોંગ્રેસ તથા ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનને સત્તા મળી શકે છે. જોકે, કેટલાક એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી પણ કરવામાં આવી હતી. નક્સલવાદના ઓછાયા વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પ્રચારનો દૌર સંભાળ્યો હતો. આ ચૂંટણી દરમિયાન નાગરિકતા બિલ સહિતની બાબતો દેશભરમાં ચર્ચામાં આવી હતી. જોકે, સ્થાનિક પરિબળો મતદારોના નિર્ણય પર પ્રભાવી રહ્યાનું મનાય છે.

Related posts

કંપનીનાં માલિકે ચોરીની આશંકાએ ૨ સફાઇકર્મી મહિલાને ડામ દેતા ખળભળાટ

Charotar Sandesh

લૉકડાઉન છતાં ભારતમાં કોરોનાથી દર કલાકે ત્રણના મોત… સંક્રમિતોની સંખ્યા ૪૨,૫૦૦ને પાર…

Charotar Sandesh

‘રાષ્ટ્રવાદ’ના શબ્દમાંથી ‘હિટલર-નાઝીવાદ’ની બૂ આવે છે : ભાગવત

Charotar Sandesh