પટિયાલા હાઉસ કોર્ટે સુનાવણી ટાળી,વધુ સુનાવણી ૧૭મીએ હાથ ધરાશે…
એક ગુનોગારે સુપ્રિમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરતાં નીચલી કોર્ટે સમય આપ્યો…
ન્યુ દિલ્હી : એકબાજુ નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓને ફાંસીનો તખ્તૌ તૈયાર કરાઈ રહ્યો છે. તો બીજી બાજુ નિર્ભયા રેપનાં આરોપીઓ ફાંસીથી બચવા માટે કાવાદાવા અપનાવી રહ્યા છે. તેવામાં નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓને જલ્દી ફાંસી આપવાની દાખલ થયેલી યાચિકા મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે કે, મને સુપ્રીમ કોર્ટમાંથી માહિતી મળી છે કે, અક્ષયની પુનઃવિચાર અરજી સ્વીકારી લેવામાં આવી છે અને આ વિશે ૧૭ ડિસેમ્બરે સુનાવણી થવાની છે. તેથી આજની સુનાવણીને પાછી ઠેલવામાં આવે છે. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું.
પટિયાલા હાઉસ કોર્ટમાં સવારે ૧૦ વાગે સુનાવણીની શરૂઆત થઈ હતી. આ દરમિયાન ચારેય આરોપીઓ તિહાર જેલમાં જ હતા. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી સમયે નિર્ભયના માતા-પિતા અને તેમના વકીલ કોર્ટમાં હાજર હતા. ગઈ સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા કોર્ટમાં રડવા લાગ્યા હતા. રડતા રડતાં નિર્ભયાના માતા આશા દેવીએ સવાલ કર્યો હતો કે, ખબર નહીં આરોપીઓને ફાંસી ક્યારે આપવામાં આવશે.
પટિયાલા હાઉસ કોર્ટમાં આ દરમિયાન નિર્ભયાના વકીલે કહ્યું કે, ફાંસની તારીખ નક્કી થવી જોઈએ. દયા અરજી લગાવવાથી ડેથ વોરંટ જાહેર થવાનો કોઈ લેવા દેવા નથી. દયા અરજી લગાવવાથી ડેથ વોરંટને રોકી શકાતો નથી. તેના પર કોર્ટે કહ્યું કે, પહેલાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા દો, પછી અમે તેના પર સુનાવણી કરીશું.
૧૬ ડિસેમ્બરે નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે એક વાત તો સ્પષ્ટ જ છે કે, નિર્ભયાના એક આરોપીને હવે ૧૭ ડિસેમ્બર સુધી ફાંસી આપવામાં નહીં આવે. નિર્ભયાના એક આરોપી અક્ષય કુમાર સિંહે તેની ફાંસી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી દાખલ કરી હતી. અક્ષયની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ૧૭ ડિેસમ્બરે સુનાવણી થવાની છે. અને જો આ અરજી ફગાવી દેવામાં આવશે તો બીજો આરોપી પુનર્વિચાર અરજી દાખલ કરશે. આમ કરીને તેઓ કોર્ટનો સમય બગાડીને ફાંસીથી દૂર ભાગી રહ્યા છે.