વડોદરા,
વડોદરા શહેરમાં દારૂ બિયરનો જથ્થો ઘૂસાડવામાં માટે બુટલેગરો દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે. ટુંક સમય પહેલા વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૨ પરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે પહેલા બાપોદ પોલીસે અમૂલ દૂધના ટેમ્પોમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો. તથા ગત રોજ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એ.સીની આડમાં લઇ જવાતો દારૂનો પકડી પાડ્યો હતો. તેવામાં પાણીગેટ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે પરથી પ્લાસ્ટીકના દાણાની આડમાં લઇ જવાતો બિયરનો જથ્થો પકડી પાડ્યો છે.
દમણીથી ટ્રેલરમાં પ્લાસ્ટીકના દાણાની આડમાં બીયરનો જથ્થો વડોદરા લવાઇ રહ્યો હોવાની ચોક્કસ બાતમી પાણીગેટ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે નં-૮ પર વોચ ગોઠવી સુરત તરફથી આવી રહેલા ટ્રેલરની અટકાયત કરી હતી. પોલીસે ટ્રેલરમાં તપાસ કરતા પહેલા તો પ્લાસ્ટીકના દાણા ભરેલા કોથડા મળી આવ્યાં હતા. બાદમાં ટ્રેલરની અંદર તપાસ કરતા બીયરની રુલ ૬૫ પેટીઓ મળી આવી હતી. આ પોલીસે કુલ ચાર શખ્સો અટકાયત કરી ટ્રેલર, ઓટો રીક્ષા મળી કુલ રૂ. ૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.