ભારતનો જસપ્રિત બુમરાહ ટેસ્ટમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ડેરેન બ્રાવોને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. બુમરાહે ૧૧ ટેસ્ટમાં ૫૦ વિકેટ લીધી હતી. તેણે વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીનો રેકોર્ડ તોડ્યો હતો. બંનેએ ૧૩ – ૧૩ ટેસ્ટમાં આ આંકડો પહોંચ્યો હતો. એકંદરે વાત કરીએ તો સ્પિનરરવિચંદ્રન અશ્વિને ૯ વિકેટ અને અનિલ કુંબલે ૧૦ ટેસ્ટમાં ૫૦ વિકેટ પૂર્ણ કરી હતી.
બીજી બાજુ, જ્યારે સૌથી ઓછા બોલમાં ૫૦ વિકેટ લેવાની વાત આવે ત્યારે બુમરાહ ભારતીય બોલરોમાં પ્રથમ સ્થાને પહોંચ્યો છે. તેણે ૨૪૬૫ બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે જ સમયે, અશ્વિને આ માટે ૨૫૯૭ બોલ ફેંક્યા હતા.
બુમરાહે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીના પહેલા વર્ષમાં ૯ મેચ રમી હતી. આ દરમિયાન ૪૮ વિકેટ ઝડપી હતી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતેલી ભારતીય ટીમમાં બુમરાહનું શાનદાર પ્રદર્શન હતું. તેણે ૪ ટેસ્ટમાં ૨૧ વિકેટ ઝડપી હતી.