શ્રીલંકામાં અત્યારસુધીના સૌથી મોટા આતંકી હુમલાને એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં વધુ એક વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે શ્રીલંકાની રાજધીની કોલંબોથી 40 કિમી દૂર બોમ્બ બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો. જોકે, બ્લાસ્ટ કયા પ્રકારનો છે તે અંગે હજુ સુધી પોલીસે કોઈ નિવેદન આપ્યું નથી.
જણાવી દઈએ કે, ગત અઠવાડિયે ઈસ્ટરના પ્રસંગે શ્રીલંકામાં ઘણી જગ્યાઓ પર 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, ત્યારથી જ ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ આજે વધુ એક ધડાકાના અવાજે સૌમાં ભયનો માહોલ પેદા કર્યો છે. જણાવી દઈએ કે, ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલા 8 સીરિયલ બ્લાસ્ટમાં અત્યારસુધીમાં 359 લોકોના મોત થયા છે, જ્યારે 500 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી અનુસાર, શ્રીલંકામાં ઈસ્ટરના પ્રસંગે થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના 4 દિવસની અંદર જ આજે ફરી રાજધાની કોલંબોથી 40 કિમી દૂર પુગોડા શહેરમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો છે. પોલીસ અને સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર, ધડાકો પુગોડામાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ એક ખાલી જગ્યા પર આ ધડાકો થયો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.