“નો સિંગલ યુઝ પ્લાસ્ટિક” અને સ્વચ્છતા અભિયાનની જનજાગૃતિ માટે વિધાર્થીઓ દ્વારા રેલી યોજાઇ…
પૂ. મહાત્મા ગાંધીજી તેમજ પૂ. લાલબહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…
આણંદ : પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી સમગ્ર ભારતભરમાં થઇ રહી છે ત્યારે આજે આણંદમાં જિલ્લા કક્ષાની ઉજવણી આણંદ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મંગળપુરા ખાતે માધ્યમિક શાળામાં મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને “સ્વચ્છતા એ જ સેવા” થીમ આધારિત કરવામાં આવી હતી. તેમજ પૂર્વ વડાપ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિએ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
શ્રી બચુભાઇ ખાબડે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે પૂ. ગાંધીજીનું જીવન એ જ તેમનો સંદેશ હતો આજે પણ બધી જ સમસ્યાઓનું નિવારણ અને સમાધાન ગાંધી વિચારોમાં છુપાયેલું છે. ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સત્ય, અહિંસા અને સ્વચ્છતા આપણે સૌ આપણા જીવનમાં અપનાવીને ગાંધીજીને આજના દિવસે સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા રેલ્વે સ્ટેશન પાસે આવેલી પૂ. મહાત્માં ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી ચઢાવીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ લાલબહાદુર શાસ્ત્રીબાગમાં સ્થાપિત પૂ. લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પણ સુતરની આંટી ચઢાવીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
ડી.એન. હાઇસ્કુલમાં ઉપસ્થિત તમામ અધિકારી તેમજ પદાધિકારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ, શિક્ષકો તેમજ વિધાર્થીઓ ને સ્વછતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આણંદ લોકસભાના સાસંદ શ્રી મિતેષ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર,જિલ્લાના અગ્રણી શ્રી મહેશ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઇ ચાવડા, તેમજ ઉપપ્રમુખ શ્રી અમીબેન દાણક, પૂર્વ સાસંદ શ્રી દિલીપ પટેલ, તેમજ જિલ્લાના અગ્રણીઓ , અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.